પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): 1999-2000માં હું અમદાવાદના સંદેશ અખબારના ક્રાઈમ રિપોર્ટર તરીકે નોકરી કરતો હતો. ઉંમર અને સમજ બંને નાના હતા તેવુ કહેવામાં મને સંકોચ થવો જોઈએ નહીં. એટલે જ મને હથિયારનું લાઈસન્સ લેવાનો વિચાર આવ્યો. મારા સમયવયસ્ક પત્રકારો પણ હથિયારના લાઈસન્સ લઈ રહ્યા હતા. તમે પત્રકાર હોવ અને તેમાં પણ ક્રાઈમ રિપોર્ટીંગ કરતા હોવાને કારણે હથિયારનું લાઈસન્સ લેવુ બહુ જ સહજ અને સરળ હતું, જે બીજા લોકો માટે  મુશ્કેલ હતું. લાઈસન્સ લેવા પાછળના ઈરાદો માત્ર સ્વરક્ષણનો હતો તેવુ કહીશ તો કદાચ તે અર્ધ સત્ય હશે, કારણ હથિયાર સાથે રાખવા પાછળનું સાચુ કારણ  કહેવાતો વટ પણ હતો. એટલે નિયમ પ્રમાણે હથિયારનું લાઈસન્સ લેવા માટે જે ફોર્મ ભરવુ પડે તે મેં ભરી દીધુ હતું.

થોડા દિવસ પછી મને પત્ર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા જણાવવામાં આવ્યુ કે પોલીસ કમિશનર સામે તમારે ઈન્ટરવ્યુ માટે હાજર રહેવુ. નિયમ પ્રમાણે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર પોતે હથિયાર લાઈસન્સની માગણી કરનારનો ઈન્ટરવ્યુ કરી પરવાનો આપવો કે નહીં તેનો નિર્ણય કરતા હોય છે. જો કે મારા માટે તે કોઈ મોટી વાત ન્હોતી. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે હતા. અમે બંને એકબીજાના સારા પરિચીત હતા, પત્રમાં જણાવેલી તારીખ પ્રમાણે હું પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેની સામે હાજર થયો. આમ તો હું તેમને નિયમિત મળતો હતો પણ તે દિવસે હું એક અરજદાર રૂપે તેમની સામે હાજર થયો હતો.

હું તેમની સામે બેઠો એટલે તેમણે પુછ્યુ બોલો કંઈ કામ હતું? મને બહુ આશ્ચર્ય થયુ, મેં કહ્યુ મે હથિયારના લાઈસન્સ માટે અરજી કરી હતી અને તમારી ઓફિસમાંથી મને પત્ર મળ્યો માટે આવ્યો છું. કમિશનર પાંડેના ચહેરા ઉપર એકદમ આશ્ચર્ય ભાવ આવ્યો. તેમણે મને પુછ્યું તમારે હથિયાર લાઈસન્સ જોઈએ છે.. કેમ શુ થયુ..? તેમણે પોતાની સામે પડેલી ફાઈલમાં નજર કરી તો મારી અરજી તેમા હતી. તેમણે બે-ત્રણ મિનિટ વિચાર કર્યો, તેઓ કંઈ બોલ્યા નહીં. ઔપચારિક વાતચીત કરી અને મારી અરજી મંજુર કરતા કહ્યુ હું તમને લાઈસન્સ આપી રહ્યો છું પણ મને લાગે છે કે તમારે હથિયાર લાઈસન્સ રાખવુ જોઈએ નહીં કારણ કે હથિયાર રાખનારને ક્યારેય  હથિયાર બચાવી શક્યું નથી. ત્યારે મને તેમની વાત સમજાઈ ન્હોતી.

હથિયારનું લાઈસન્સ આવી ગયું અને હથિયાર પણ આવી ગયું ત્યાર પછી મને ક્રમશ: સમજાવા લાગ્યુ કે ખરેખર જ્યારે તમારી પાસે હથિયાર હોય ત્યારે તમને સુરક્ષાની લાગણીનો અનુભવ થવો જોઈએ પણ તેના કરતા ઉલ્ટુ થઈ રહ્યુ હતું. જ્યારે પણ મારી પાસે હથિયાર હોય ત્યારે વધુ અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો હતો. થોડી થોડી વારે મારો હાથ મારા હથિયારને સ્પર્શ કરી તેની હાજરીને અનુભવી રહ્યો હતો. આમ હથિયાર મને અહેસાસ કરાવી રહ્યુ હતું કે હું ડરપોક અને નિર્બળ માણસ છું. આવુ હથિયાર આવ્યા પછી જ મને થઈ રહ્યુ હતું, હથિયાર માણસને ડરપોક બનાવી શકે તેવુ મને પહેલી વખત ખબર  પડી હતી. આપણે ત્યાં ગુજરાતમાં હથિયાર રાખવાનો રિવાજ ઉત્તર પ્રદેશ અને બિહાર કરતા ઓછો છે.

મારા ત્રીસ વર્ષના પત્રકારત્વમાં મેં જોયુ છે જેમની પાસે હથિયાર છે તેમની ઉપર હુમલો થાય ત્યારે ભાગ્યે જ તેમનું વ્યક્તિગત હથિયાર તેમને બચાવી શક્યું છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી ઉપર ટ્રેનમાં ગોળીબાર થયો ત્યારે તેમની પાસે પણ લાઈસન્સવાળું હથિયાર હતું પણ હત્યારાએ તેમને પોતાના હથિયાર સુધી જવાની તક આપી જ નહીં આવા ઉદાહરણ એક ડઝન કરતા વધારે છે. જેમાં હથિયાર રાખનાર ઉપર હુમલો થાય ત્યારે તેનું હથિયાર તેમને બચાવી શક્યુ ન્હોતુ. આપણા દેશના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની હત્યા તેમના અંગ રક્ષકોએ કરી હતી. જ્યારે મને ગુંડાઓ તરફથી મારી નાખવાની ધમકી મળી રહી હતી ત્યારે મારા એક નજીકના મિત્ર ચેતન પટેલે ત્યારે મને કહ્યુ હતું કે જુઓ જન્મ અને મરણની તારીખ કુદરતે જ નિર્માણ કરેલી છે, તેમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકતો નથી. જો આપણે આપણી મરણની તારીખમાં ફેરફાર કરી શકતા નથી તો ડરવુ શુ કામ જોઈએ?

હજી થોડા મહિના પહેલા વડોદરાના પોલીસ સબઈન્સપેક્ટર જાડેજાએ આત્મહત્યા કરી લીધી હતી. સરકારે જે રિવોલ્વર પ્રજાના રક્ષણ માટે આપી હતી તેનાથી તેમણે પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. હજી ગયા મહિને અમદાવાદના પોલીસ સબઈન્સપેક્ટર રાઠોડે પોતાના જ સસરાની રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. આમ આ બંને કિસ્સામાં હથિયાર તો કોઈનો જીવ બચાવવા માટે આપ્યુ હતું પણ આ હથિયાર વડે તો આત્મહત્યા કરવામાં આવી હતી. સ્વરક્ષણ માટે લેવામાં આવેલા હથિયાર વડે અનેક લોકો આત્મહત્યા કરે છે. આમ હથિયાર ક્યારેય જીવન આપી શકે નહીં  અને હથિયાર જિંદગી બચાવી શકે નહીં તે એક કડવુ સત્ય છે.