મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતની અચાનક ગુડબાયથી સહુ કોઈ હચમચી ગયા છે. બોલીવુડમાં હાલ આ એક જ એવી વાત છે જે જોરશોરથી ચર્ચાઓમાં છે. બોલીવુડમાં ઘણા સારા કલાકારો યોગ્ય ચાન્સ ન મળતાં ઢેર થઈ જાય છે તો ઘણા માત્ર પારિવારીક બેક્ગ્રાઊન્ડને કારણે ના સુરત ના કલાકારી બસ આગળ જ વધતા જાય છે. આવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. હાલમાં જ મનોજ બાજપેયીએ એક મોટો ખુલાસો કર્યો જેમાં તે પોતે પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો પરંતુ એક મિત્રએ તેને રોકીને બચાવી લીધો હોવાનું તેણે કહ્યું છે.

હિન્દી સિનેમામાં એક અલગ જ પ્રકારની એક્ટિંગથી ઓળખ મેળવનારા અને ખુબ મહેનત અને સ્ટ્રગલીંગ પછી આ મુકામે પહોંચેલા મનોજ બાજપેયીને કોઈ ઓળખની જરૂર નથી. બોલીવુડમાં સત્યા, અલીગઢ, રાજનીતિ, સત્યાગ્રહ, ગેંગ્સ ઓફ વાસેપુર સહિતની ઘણી એવી ફિલ્મો વેબ સિરિઝીસ છે જેમાં પોતાના કામથી દર્શકોનું દીલ જીતી લેનાર મનોજ બાજપેયીનો એક સમય એવો પણ હતો જ્યારે તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.

તેના મનમાં આત્મહત્યાનો વિચાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં ત્રણ વખત રિજેક્ટ થયા પછી આવવાના શરૂ થયા હતા. દરમિયાન તેની મદદ તેના મિત્રોએ કરી હતી. હાલમાં જ હ્યૂમન્સ ઓફ બોમ્બે નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર મનોજ બાજપેયીએ આ ચોંકાવનારી વાત કરી છે. તેણે કહ્યું કે 9 વર્ષની ઉંમરમાં મને અંદાજ આવી ગયો હતો કે એક્ટિંગ જ મારી દુનિયા છે. 17 વર્ષની ઉંમરે હું દિલ્હી યુનિવર્સિટી જતો રહ્યો.

તેણે કહ્યું કે, તે આગળ ભણવા સાથે થિયેટર પણ કરવા લાગ્યો, હું એક આઉટસાઈડર હતો જે ફિટ થવાના પ્રયત્નો કરી રહ્યો હતો. મેં પોતાને ઈંગ્લીશ અને હિન્દી શિખવાડવાનું શરૂ કર્યું . મેં ફરી એનએસડી માટે એપ્લાય કર્યું પણ ત્રણ વખત હું રિજેક્ટ થઈ ગયો. હું આત્મ હત્યા કરવા સુધી આવી ગયો હતો. આ જ કારણ છે કે જેને કારણે મારા દોસ્તોએ મારી સાથે સુતા હતા. તેમણે ઘણો સાથ આપ્યો.

તેણે આગળ કહ્યું, તે વર્ષે હું એક ચા ની દુકાન પર હતો જ્યારે તિગ્માશું પોતાના ખટારા જેવા સ્કૂટર પર મને જોવા આવ્યો હતો. શેખર કપૂર મને બેન્ડેટ ક્વીનમાં કાસ્ટ કરવા માગતા હતા. તો મને લાગ્યું કે હું તૈયાર છું અને મુંબઈ આવી ગયો હતો. શરૂઆતમાં ઘણું મુશ્કેલ થતી હોય છે. મનોજે કહ્યું કે, ત્યારે તે મુંબઈ આવ્યા તો ઓડિશન દરમિયાન આસિસ્ટન્ટ ડાયરેક્ટરે તેની તસવીર ફાડી નાખી હતી અને ત્રણ પ્રોજેક્ટ્સ તેના હાથથી જતા રહ્યા હતા. મનોજ કહે છે કે, આઈડિયલ હીરો ફેસમાં ફીટ ન બેસતા હોવાથી લોકોને લાગ્યું કે તે મોટા પડદા પર ક્યારેય કામ નહીં કરી શકે.

આગળ મનોજે કહ્યું કે, મારા કામને ઓળખવામાં આવ્યું અને મને થોડા સમય પછી સત્યામાં કામ કરવાની તક મળી, તે પછી એવોર્ડ્સ મળ્યા. મેં પોતાનું પહેલું ઘર ખરીદ્યું અને મને અનુભવ થઈ ગયો હતો કે હું અહીં રોકાઈ શકું છું. 67 ફિલ્મો પછી પણ હું ટકી રહ્યો છું. જ્યારે આપ પોતાના સપનાઓને હકીકતમાં બદલવાના પ્રયત્નો કરો છો તો મુશ્કેલીઓ કોઈ મતલબ રાખતી નથી ફક્ત 9 વર્ષના તે બિહારી બાળકનો વિશ્વાસ મતલબ રાખે છે.