રોહન રાંકજા (મેરાન્યૂઝ.મોરબી): વર્તમાન સમયમાં ક્રિકેટ વિશ્વમાં એક નવું આયામ તાજું થયું છે, તે છે માંકડેડ આઉટ મેથડ. આઇપીએલની બે દિવસ પૂર્વેના એક મેચ દરમિયાન રવિચંદ્ર અસ્વીને જોસ બટલરને આ રીતે આઉટ કર્યા બાદ મેચનું પરિણામ બદલાઈ ગયું હતું. ચોતરફથી આર અશ્વિન ટીકાઓનો શિકાર બની ગયો છે. આઈસીસીના નિયમમાં આવતી આ મેથડ આખરે શું છે?  જામનગર સાથે સીધો સંબંધ ધરાવતી ક્રિકેટની મેથડ અંત્યત રોચક છે, ત્યારે હાલ ચર્ચામાં રહેલ આ નિયમ અંગે જાણવાનો પ્રયાસ કરીશું.

ક્રિકેટ વિશ્વમાં જામનગરનો ડંકો રહ્યો છે. જામ રણજીતસિંહથી માંડી હાલના રવિન્દ્ર જાડેજા સુધીના આ શહેરના ક્રિકેટરોએ પોતાના કાંડાના કૌવત થકી સારી નામના પ્રાપ્ત કરી છે. રણજીતસિંહને આજે નાગરિકો રાજા કરતા ક્રિકેટર તરીકે વધુ ઓળખે છે. રણજીતસિંહથી શરુ થયેલ ક્રિકેટ પ્રત્યેનો જામનગરનો સંબંધ અનેક આયામો સર કરી ચુક્યો છે. જામનગરના અનેક ખેલાડીયો આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવી ચુક્યા છે પરંતુ આજે વાત એક એવા જામનગરી ક્રિકેટરની કરવી છે જેને આખું વિશ્વ વીનુના નામથી ઓળખે છે અને તેની ફીરકીની કમાલથી વિશ્વના નામી બેસ્ટમેનો ચકમા ખાઈ ચુક્યા છે. ૧૨મી એપ્રિલ, ૧૯૧૭માં એક સામાન્ય પરિવારમાં જામનગરમાં જન્મેલા વીનું માંકડનું મૂળનામ મુળવંતરાય માંકડ હતું.

જામનગરની ગલીઓથી ક્રિકેટની શરૂઆત કરનાર વિનુ માંકડની છેક આંતરરાષ્ટ્રીય સુધીની સફર રોચક રહી છે. ૨૨મી જુન, ૧૯૪૬ના રોજ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યા બાદ માંકડે ક્રિકેટ વિશ્વમાં નવી કેડી કંડારી છે. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર અને રાઈટ હેન્ડેડ બેસ્ટમેન ઓપેનીંગ બેસ્ટમેન તરીકે વીનું માંકડ ૪૪ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં ૩૧.૪૭ની એવરેજ સાથે ૨૧૦૯ રન કર્યા છે. જેમાં પાંચ ટેસ્ટ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ સેન્ચુરીમાં સૌથી વધુ ૨૩૧ રનની ટેસ્ટનો બેસ્ટ સ્કોર છે. બેટિંગ ઉપરાંત સ્પીન બોલિંગમાં પણ કાઠું કાઢી ૧૬૨ વિકેટ પ્રાપ્ત કરી છે. જેમાં આઠ વખત પાંચ વીકેટનો સમાવેશ થાય છે. એક મહત્વની વાત એ છે કે વીનુ માંકડે તેના કેરિયર દરમિયાન ઓપનીંગથી માંડી દસમાં ક્રમ સુધી બેટિંગ કરી છે.

૧૯૫૨માં લોર્ડ્સ ખાતેના ઇંગ્લેન્ડ સામેના ટેસ્ટમાં માંકડે બેસ્ટ પરફોર્મન્સ કરી જેમાં ૭૨ રન  બનાવી પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જયારે બીજી ઇનિંગમાં ઇન્ડિયા ૩૭૮ રનમાં ઓલ આઉટ થયું હતું જેમાં વિનુ માંકડના વ્યક્તિગત ૧૮૪ રન હતા. માંકડની કારકિર્દી દરમિયાન ૩૨.૩૨ની બોલિંગ  એવરેજ રહી છે. કારકિર્દી દરમિયાન તેઓએ  બે વખત ૧૦ વિકેટ મેળવી ભારતીય ક્રિકેટ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. ક્રિકેટ કારકિર્દી દરમિયાન જ લગ્ન જીવનની શરુઆત કરી હતી, તેઓના સાંસારિક જીવન દરમિયાન બે પુત્રો અશોક અને રાહુલ પણ ક્રિકેટમાં પદાર્પણ કરી ચુક્યા છે. અશોક માંકડ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યા છે જ્યારે રાહુલ પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમી ચૂકયા છે.

વીનું માંકડે ક્રિકેટમાં અનેક આયામોને સર કર્યા છે, પરંતુ વીનું માંકડ સાથે જોડાયેલ ૭૨ વર્ષ પૂર્વેની ક્રિકેટ વિશ્વની ઘટના હાલ ચર્ચાનું કેદ્ન્ર બની છે. વર્ષ ૧૯૪૭, ૧૩ ડીસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ દરમિયાન બીલ બ્રાઉન નામના ઓસ્ટ્રેલીયન ક્રિકેટરને અલગ રીતે આઉટ કર્યો હતો. વીનું માંકડ બોલિંગ માર્ચ પરથી રનર લઇ બોલિંગ કરે તે પૂર્વે નોન સ્ટ્રાઈક પરથી બીલ બ્રાઉને ક્રીજ છોડી અને બોલ ફેકે તે પૂર્વે જ માંકડે નોન સ્ટ્રાઈક પરની સ્ટમ્પની ગીલીઓ ઉડાવી દઈ અપીલ કરી, અમ્પાયરે બીલને આઉટ આપ્યો ત્યારથી આ મેથડ માંકડેડ મેથડ તરીકે પ્રચલિત થઇ છે.

આ ઘટના બાદ અત્યાર સુધીમાં ચાર બેસ્ટમેન આ મેથડથી આઉટ થયા છે જેમાં વર્ષ ૧૯૬૮-૬૯માં વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડીલેડ ટેસ્ટમાં ઇયાન રેડપાથને ચાર્લી ગ્રીફ્થએ, વર્ષ ૧૯૭૭-૭૮માં ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં ડેરેક રેન્ડોલને ઇવન ચાર્ટફિલ્ડએ અને ૧૯૭૮-૭૯માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટમાં સિકન્દર બખ્તને એલન હર્સ્ટએ ‘માંકડેડ’ આઉટ કર્યા છે. જ્યારે એક દિવસીય મેચમાં ત્રણ વખત આ પદ્ધતિથી ત્રણ બેસ્ટમેન આઉટ થયા છે.

જામનગર સાથે સીધો સંબંધ ધરાવતી ક્રિકેટ વિશ્વની આ પદ્ધતિ હાલ ચર્ચામાં એટલે છે કે બે દિવસ પૂર્વેની આઈપીએલની પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં આર અસ્વીને ધૂવાધાર બેટિંગ કરી રહેલા અને ટીમને ચોક્કસ જીત તરફ લઇ જતા જોસ બટલરને માંકડેડ આઉટ કર્યો હતો અને આ મેચ રાજસ્થાન હારી ગયું હતું. આ જ પદ્ધતિની હાલ ચર્ચાઓ થઇ રહી છે. આ પધ્ધતીની હયાતીને લઈને ચર્ચાઓ વેગવાન બની છે. માંકડેડ મેથડ સીસ્ટમ યોગ્ય છે કે અયોગ્ય ? જેને લઈને અનેક ક્રિકેટવિદો પોતાનો મત રજુ કરી ચુક્યા છે પરંતુ આ મેથડને લઈને વીનું માંકડ સાથે જામનગરનું ક્રિકેટ વધુ એક વખત વિશ્વસ્તરે ચમક્યું છે.