મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાઈની ઓળખ આપી ત્રણ શખ્સોએ એક વેપારીને સિસામાં ઉતારી દીધો હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી ગઇ છે. ગૌશાળાના નામે ફાળો ઉઘરાવતા ત્રણ શખ્સો વેપારી પાસેથી રૂપિયા પડાવી ગયાની ફરિયાદ સામે આવતા પોલીસે ત્રણેય શખ્સોને પકડી પાડ્યા છે. 

જામનગરના ધારાસભ્ય અને રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈની ઓળખ આપી ઠગાઈ થઇ હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેની વિગત મુજબ, શહેરના મેહુલનગર એક્સચેન્જ પાસે કેવડીયાવાડી શેરી નં-૧ માનસ એપાર્ટમેંટ બ્લોક નં-૪૦૧માં રહેતા અને વેપાર કરતા કિરીટભાઈ રૂગનાથભાઈ સીતાપરા નામના વેપારી પાસે ગત તા. ૨૪/૬ના રોજ ત્રણ શખ્સો આવ્યા હતા, જે પૈકીના એક પોતાની ઓળખ રાજ્ય મંત્રી હકુભાના ભાઈ રાજભા તરીકેની આપી હતી. અમે  ગૌશાળાના લાભાર્થે ફાળો ઉઘરાવવા નીકળ્યા હોવાની વાત કરતા વેપારીએ રૂપિયા ૨૧૦૦૦ હજારનો ફાળો આપ્યો હતો.

દરમિયાન વેપારીએ તપાસ કરાવતા પોતાને સ્વામીનારાયણનગરમાં મળેલા ત્રણ પૈકીના એકેય રાજયમંત્રીના ભાઈ ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને કિરીટભાઈએ આ બનાવ અંગે ગઈ કાલે રાત્રે ત્રણેય શખ્સો સામે સીટી બી ડીવીજન પોલીસમાં આઈ.પી.સી કલમ ૪૧૬, ૪૧૯,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આ ત્રણેય શખ્સો પ્રદીપ શાંતીલાલ આરંભડીયા, વિજય હમીરભાઈ મુછડીયા અને મુકેશ કાનજીભાઈ આરંભડીયા રહે ત્રણેય ગોકુલનગર જામનગર વાળા હોવાનું સામે આવ્યું હતું.

જેથી નામજોગ ફરિયાદ નોંધી પોલીસે ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. આરોપી મુકેશ હકુભાનો ભાઈ રાજભા ન હોવા છતા પોતાની ઓળખાણ હકુભાના ભાઈ રાજભા હોવાની ઓળખ આપી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. અન્ય કોઈને સીસીમાં ઉતર્યા છે કે કેમ ? નો તાગ મેળવવા પોલીસે ત્રણેય શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.