મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીના ઝૂમાં એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. તેમાં એક વ્યક્તિ સિંહના પિંજરામાં કુદીને તેની સામે જઈને ઊભો રહી ગયો. સિંહ સામે આ વ્યક્તિ બેસી ગયો તેનો વીડિયો પણ વાયરલ થયો છે જે અહીં પ્રસ્તુત કરાયો છે. જોકે શખ્સને સિંહ કાંઈ નુકસાન પહોંચાડતો નથી તેથી લોકોના પણ જીવમાં જીવ આવ્યો હતો કારણ કે અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તો ઘણાએ જીવ ગુમાવ્યો છે. થોડા વખત પહેલા દિલ્હીમાં જ આવી એક ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો હતો જે કદાચ લોકો હજુ પણ ભુલ્યા નથી. કારણ કે તે વાઘ સામે હાથ જોડીને પોતાને જવા દેવા માટે આજીજી કરતો હતો. આ ઘટનાનો પણ વીડિયો જે તે સમયે વાયરલ થયો હતો.

આજની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર. એક શખ્સ જાણી જોઈને પીંજરામાં કુદ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેને રોકવાના પ્રયત્નો કર્યા હતા પણ તે ન માન્યો. તે સિંહ પાસે જઈને બેસી ગયો હતો. વીડિયોમાં દેખાય છે કે શખ્સ અંદાજીત એક મીનિટ સુધી પીંજરામાં રહ્યો પછી તે સિંહ સામે બેસી ગયો. આ દરમિયાન સિંહએ કોઈ હરકત ન્હોતી કરી. બાદમાં સિંહ પાસે આવીને શખ્સને સુંઘી પણ રહ્યો હતો.

આ દરમિયાન સુરક્ષા કર્મીઓ દોડી આવ્યા હતા અને તેમણે શખ્સનો જીવ બચાવ્યો હતો. આ શખ્સ માનસીક અસ્થિર હોવાનું તંત્ર જણાવે છે પરંતુ હવે તેને પોલીસ મથકે લઈ જઈ પુછપરછ કરવામાં આવી રહી છે.