મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વડાપ્રધાન સહિતના મહાનુભાવો જ્યારે પ્રવાસમાં હોય છે ત્યારે પોલીસ સલામતીના નામે અતિશયોક્તિ કરતી હોય છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક વ્યકિતને ચક્કર આવી જતા તે ઊંચા મંચ ઉપરથી પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. જેના કારણે નરેન્દ્ર મોદીએ પણ પોતાનું ભાષણ વચ્ચે અટકાવી દીધુ હતું. આ વ્યકિત પડી ગઈ ત્યાંથી મુખ્ય દરવાજો એક કિલોમીટર દુર હતો. ઈજાગ્રસ્ત વ્યકિતને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યૂલન્સ આવી હતી પણ પોલીસે કહ્યું એમ્બ્યૂલન્સ અંદર આવશે નહીં જેના કારણે લોકો આ બેભાન ઈજાગ્રસ્ત વ્યકિતને લઈ એક કિલોમીટર સુધી દોડયા હતા.

નરેન્દ્ર મોદીની સહિત જ્યાં પણ મહાનુભાવોની સભા થતી હોય છે ત્યાં પોલીસ સલામતીના નામે સભા સ્થળે આવનારી વ્યકિતના હાથમાં કોઈ પણ વસ્તુ લઈ જવા દેતી નથી. જેમાં પાણીની બોટલને પણ સાથે લઈ જવાની મંજુરી મળતી નથી, કારણ પોલીસને ડર હોય છે કે કોઈ વ્યકિત મંચ તરફ બોટલ ફેંકી શકે છે. સુરતમાં બુધવારના રોજ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે સભા સ્થળે ઊંચા સ્ટેજ ઉપર મોટા એલઈડી સ્ક્રીન પણ મુકવામાં આવ્યા હતા. આ કામગીરી કરનાર કોટ્રાકટર દ્વારા તમામ એલઈડી સ્ક્રીન સાથે પોતાના એક સ્ટાફના સભ્યને પણ ઊંચા સ્ટેજ ઉપર બેસાડયો હતો.

કાર્યક્રમ શરૂ થવાના પાંચ કલાક પહેલા સભા સ્થળે આવી ગયેલા સ્ટાફને પણ પાણી પીવાની વ્યવસ્થા અંદર ન્હોતી તેમજ સાથે પાણી પણ પોલીસ લઈ જવા દેતી નથી. આ સભા સ્થળે જ્યારે નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા અને તેમણે ભાષણ શરૂ કર્યું ત્યારે એક મંચ ઉપર એલઈડી સંભાળી રહેલી વ્યકિતને તરસને કારણે ચક્કર આવ્યા અને તે ઊંચા મંચ ઉપરથી સીધો લોંખડની રેલીંગ ઉપર પડતા તેને માથાના ભાગે ઈજા થઈ અને તે બેભાન થઈ ગયો હતો. અચાનક એક વ્યકિત પડતા ત્યાં હાજર લોકોનું ધ્યાન તે તરફ ગયું હતું.

ઈજાગ્રસ્તને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યૂલન્સ બોલાવવામાં આવી પણ પોલીસે એમ્બ્યૂલન્સને અંદર પ્રવેશ કરતા અટકાવી ઈજાગ્રસ્તને બહાર લાવવાની સૂચના આપી હતી આથી લોકો બેભાન ઈજાગ્રસ્તને ઉંચકી રીતસર દોડતા બહાર નિકળ્યા હતા.  આ દ્રશ્ય જોઈ નરેન્દ્ર મોદીએ પણ પોતાનું ભાષણ થોડીક મિનિટ માટે અટકાવી દીધુ હતું. નરેન્દ્ર મોદીની સલામતી માટે નિયમ પળાય તેમાં કોઈ વાંધો નથી પણ પોલીસ જડતાપુર્વક નિયમને વળગી રહે છે તેનું આ ઉદાહરણ છે જુઓ વિડીયો…