મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં રહેતા જયપાલસિંહ મુળરાજસિંહ રાણા દ્વારા પોતાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ તેમની ઘણી પોસ્ટ ડિલીટ કરી તેમજ પ્રોફાઇલ ફોટો બદલી નાંખવામાં આવ્યો હતો. ફરિયાદને આધારે સાયબર પોલીસે મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ભાખર ગામમાંથી આરોપી મહમદ જીલાનીની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપી મહમદ જીલાનીએ જણાવ્યું હતું કે, પોતે ધો.10 ફેઇલ છે અને ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકમાં અલગ અલગ એકાઉન્ટ ધરાવે છે. પોતાના ઇન્સ્ટાગ્રામમાં વધુ લાઈક અને ફોલોઅર્સ બતાવવા માટે જયપાલસિંહનું એકાઉન્ટ હેક કર્યુ હતું. ફરિયાદી પોતાના મોબાઈલ નંબરનો જ પાસવર્ડ તરીકે ઉપયોગ કરતો હોવાથી ખાસ મુશ્કેલી પડી ન હોવાનું પણ તેણે કબુલ્યું હતું. ફરિયાદીના એકાઉન્ટમાંથી પોસ્ટ ડિલીટ કરી આરોપીએ પોતાનો ફોટો પણ અપલોડ કર્યો હતો.