પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે તમામ એવા રસ્તાઓ ઉપર દોડી રહ્યા છીએ સંભવ છે તમારે જે જોઈતુ હતું, તે બધુ જ તમે મેળવી લીધુ છે. કદાચ થોડુક વધારે મેળવવાની દિશામાં તમે આગળ વધી રહ્યા, કદાચ તમારા સ્વપ્નાઓની ખુબ નજીક છો પણ આ સફર દરમિયાન કયારેય તમે થોડીક ક્ષણો રોકાઈ તમારી સાથે વાત કરી  છે, જો તેવો પ્રયત્ન કરશો તો તમને સમજાઈ જશો કે તમે એકલા પડી  ગયા છો. આપણે બધા  એક જ તરફ એટલા માટે દોડી રહ્યા છીએ આપણે જે દિશામાં દોડી રહ્યા છીએ  તે  દિશામાં આપણી પહેલા દોડનારને આપણે સમૃધ્ધ થતાં જ એટલે આપણે પણ માની લીધુ કે સુખનું સરનામુ કદાચ ત્યાં જ છે.

હાલમાં લોકડાઉન  ચાલી રહ્યુ છે, માણસ પાસે એકલા બેસવાનો ખુબ સમય છે, પણ આ દરમિયાન મેં અનેક લોકોને વાત કરતા સાંભળ્યા છે તેઓ કહે છે બહું કંટાળો આવી રહ્યો, તેઓ એવુ માને છે કે લોકડાઉન છે અને કામ ધંધા ઉપર જતા નથી માટે કંટાળો આવે છે, પણ ખરેખર તેવુ નથી, આપણે જેને સુખ-સમૃધ્ધી અને મોભો માનતા હતા, આ બધુ મેળવવા માટે જે આપણા પોતાના હતા, તેમાં આપણા સગા,મિત્રો,સાથીઓ વગેરે અનેક જેમની યાદી બહુ લાંબી  છે, તેઓને આપણે ક્રમશ છોડતા ગયા, કારણ આપણે આગળ દોડવુ હતું અને આગળ જવામાં આપણે પોતાનાને છોડતા ગયા,સંભવ છે આજે તમારી પાસે તમે જેની ક્લ્પના અને અપેક્ષા રાખી હતી, તે બધુ જ આવી ગયુ, પણ આજે  તે સુખ જોવા માટે પોતાના પાસે નથી, માણસ એકલો દુખી થઈ શકે પણ એકલો સુખી થઈ શકે નહીં, માણસ જયારે પણ સુખનો અહેસાસ કરવા માગે ત્યારે પોતાનાઓનું નજીક હોવુ જરૂરી હોય છે.

પણ આપણે સંપતી-સમૃધ્ધી -સત્તા તો મળવી લીધા પછી આપણને સુખ મળવાને બદલે આપણને કોઈક ભાર લાગી રહ્યો છે તેનું કારણ આપણી પાસે જયારે કઈ ન્હોતુ,ત્યારે આપણા ચહેરા ઉપર કોઈ ચહેરો  ન્હોતો, પણ સત્તા-સમૃધ્ધી-પ્રસિધ્ધી-સત્તા અને સંપત્તી માટે આપણા મુળ ચહેરા ઉપર એક પછી એક નવા ચહેરાઓ ચઢવા લાગ્યા, આપણે દરેક જગ્યાએ અલગ અલગ વ્યવહાર કરવા લાગ્યા, આપણે વર્ષો સુધી આવુ કરતા રહ્યા, આપણા પદ આપણી સંપત્તી, અને સમૃધ્ધીને અનુકુળ આવતા લોકો વચ્ચે રહેવા લાગ્યા,પણ આપણી ભુલી ગયા કે જેમના વચ્ચે આપણે જીવીએ છીએ તે આપણા નથી.

આપણને કયારેક સંપત્તીનો મદ છે,તો કયારેક આપણી હોશીયારીનો તો કયારેક આપણી સત્તા,પણ રોકાઈને પાછળ જુઓ તો આપણે પહેલા આવા ન્હોતા, પણ આપણા ચહેરાઓ ઉપર ચઢી રહેલા રોજ નવા ચહેરાઓએ આપણને આવા બનાવી દીધા છે, લોકડાઉન એવો સમય છે કે જયારે તમારી પાસે સંપત્તી હોવા છતાં જે સંપત્તીઓવાન વચ્ચે તમે જીવી રહ્યા હતા તેઓ હવે તમને મળતા નથી, કદાચ તમારે હાલમાં એવી  વ્યકિતઓ વચ્ચે રહેવુ પડે છે જેમની પાસે  તમારી સરખામણીમાં બહુ ઓછુ છે, તમે પોતાને પોતાના ક્ષેત્રમાં બહુ અવલ્લ હતા,જેના કારણે તમે સામાન્ય માણસો સાથેનો નાતો તોડી નાખ્યો હતો, હવે તમારે રોજ સામાન્ય માણસો સાથે પનારો પડે છે. જેના કારણે હવે તમે કંટાળો આવી રહ્યો છે તેવી ફરિયાદ કરો છો.

તમારા ચહેરા ઉપર રહેલા અનેક ચહેરાઓ -તમારી સંપત્તી -સત્તા અને હોશીયારીનો ભાર લાગવા લાગ્યો છે કારણ અનેક ચહેરાઓ સાથે તમે સહજ જીંદગી જીવી શકતા નથી,બીજા તમારે માટે શુ વિચારે છે અથવા વિચારી શકે તેના આધારે તમે તમારી જીંદગીના માપદંડ નક્કી કર્યા છે,આમ તમે જ તમારી જીંદગીને ગુંચવી નાખી છે, પહેલા જેવા તમે સરળ હતા,તેવા રહ્યા નથી,તમારો અસલી ચહેરો જાહેર થાય નહીં તે માટે તમારે રોજ એક નવા ચહેરાનો મેકઅપ કરવો પડે છે, તેના કારણે તમારે મન થાકી ગયુ છે, આ ઉત્તમ સમય મળ્યો છે એકલા બેસવાનો અને પોતાની સાથે વાત કરવાનો, પોતાને પુછજો તમે પહેલા આવા ન્હોતા તો આવા કેવી રીતે  થઈ ગયા, બને તો પહેલા હતા તેવા થવાનો પ્રયત્ન કરજો.