મેરાન્યૂઝ નેટવર્ક.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2021માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા હિન્દુ વોટોને ટાર્ગેટ કરવાના પ્રયત્નમાં મોટું એલાન કર્યું છે. મમતા સરકારે સોમવારે 8000થી વધુ ગરીબ સનાતન બ્રાહ્મણ પુજારીઓને 1000 રૂપિયાના માસિક ભથ્થા અને મફત આવાસ આપવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, અલ્પસંખ્ય તૃષ્ટીકરણના આરોપોનો જવાબ આપવા માટે મમતા બેનર્જીએ આ યોજનાનું એલાન કર્યું છે.

આ અંગે સોમવારે જાહેરાત કરતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે 'અમે અગાઉ કોલાઘાટમાં એકેડેમી સ્થાપવા માટે સનાતન બ્રાહ્મણ સંપ્રદાયને જમીન આપી હતી. આ સંપ્રદાયના ઘણા પૂજારીઓ આર્થિક રીતે નબળા છે. અમે તેમને રાજ્ય સરકારની આવાસ યોજના અંતર્ગત નિ: શુલ્ક આવાસ આપીને તેમને દર મહિને 1000 રૂપિયા ભથ્થું આપવાનું અને તેમને મદદ કરવાનું નક્કી કર્યું છે. '

સોમવારે જ મમતા બેનર્જીએ રાજ્યમાં હિન્દીભાષી મતદારોને જોડવા માટે તૃણમૂલ કોંગ્રેસના હિન્દી સેલની રચના કરી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનેશ ત્રિવેદીને આ સેલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને પત્રકાર વિવેક ગુપ્તાને પ્રમુખ તરીકે ઉમેરવામાં આવ્યા છે.

લોકોને 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિન પર અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે તેમની સરકાર તમામ ભાષાઓનો આદર કરે છે અને ભાષાકીય આધારો પર કોઈ પક્ષપાત નથી. તેમણે પત્રકારોને કહ્યું, 'અમે બધી ભાષાઓનો આદર કરીએ છીએ. અમે નવી હિન્દી એકેડમી સ્થાપવાનું નક્કી કર્યું છે. અમે દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના કરવાનું પણ નક્કી કર્યું છે. બંગાળી ભાષા પર દલિતોની ભાષા પ્રભાવ છે. '