મેરાન્યૂઝ નેટવર્ક.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તા એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન સાથે મુલાકાત કરી હતી. એ વખતે મમતા બેનર્જી કોલકત્તા એરપોર્ટથી નવી દિલ્હી ફ્લાઈટમાં સવાર થઈ જવાના હતા, તે જ સમયે તેમની નજર જશોદાબહેન પર પડી અને તેઓએ ફ્લાઈટને તે સમય માટે પડતી મુકી જશોદાબેનને મળવા દોડ્યા હતા. મુલાકાત દરમિયાન એક સાડી પણ જશોદાબેનને ગીફ્ટ કરી હતી.

સુત્રોના અનુસાર, આ દરમિયાન બંને વચ્ચે સુખદ વાતચિતો થઈ હતી. મમતા બેનર્જીના એક નજીકના સૂત્રનું કહેવું છે કે પડોશી ઝારખંડના ધનબાદથી બે દિવસની યાત્રા બાદ જશોદાબેન પાછા જતા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ અચાનક થએલી મુલાકાત હતી અને તેમની વચ્ચે અભિવાદનની આપ-લે થઈ હતી. સાથે જ મુખ્યમંત્રીએ તેમને સાડી ગીફ્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરવાના છે અને આ જ દરમિયાન પશ્ચિમ બંગાળના કેટલાક પ્રશ્નો ઉઠાવશે. જશોદાબેનને સોમવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લામાં આસનસોલમાં કલ્યાણેશ્વરી મંદિરમાં તેમણે પુજા કરી હતી.