મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ શહેરમાં આજે જ્યારે ટીએમસી પાર્ટીના પોસ્ટર્સ જોવા મળ્યા જેમાં મમતા બેનર્જી દ્વારા વર્ચ્યૂઅલ મીટિંગની વાત કરાઈ તે પોસ્ટર્સ જોઈ સહુને રાજકીય માહોલમાં વધુ એક રંગ ઉમેરાવા જઈ રહ્યો હોવાના એંધાણ લાગ્યા હતા. ગુજરાતમાં હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અન્ય રાજકીય પાર્ટીઓના નાકમાં દમ કર્યું છે, ઉપરાંત ઔવૈસીની પાર્ટીનો પણ પગપેંસારો થઈ ચુક્યો છે ત્યારે ટીએમસીની પણ ગુજરાત પર નજર હોવાની ચર્ચાઓ આ પોસ્ટર્સ બાદ વધવા લાગી છે.

ઐવેસીની AIMIM અને કેજરીવાલની AAP બંનેના ગુજરાતમાં પગપેંસારા થઈ ચુક્યા છે. હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આજની વર્ચ્યૂઅલ મીટિંગના પોસ્ટર્સ અમદાવાદમાં લાગ્યા હતા. આ પોસ્ટર ગુજરાતી ભાષામાં હતા. જેને પગલે રાજકીય હિલચાલ થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આજે બપોરે 2 વાગ્યે મમતા બેનર્જીની વર્ચ્યૂઅલ મીટિંગ હતી. ઈસનપુર સંજીવની હોસ્પિટલ પાસેના હોલમાં આ મીટિંગ હતી જેમાં બે કલાક સુધી 15 જેટલા કાર્યકરોની સાથે મમતા બેનર્જીએ વાત કરી હતી. તેમણે લોક મુદ્દાઓ ખાસ કરીને મોંઘવારી અને લોકોને થતી હાડમારી પર ભાર મુક્યો હતો. નવા કાર્યકરો જોડાવાની તૈયારી અંગે હજુ ખાસ સૂચનો આપવામાં આવ્યા નથી તેવું કન્વીનર જીતેન્દ્રભાઈ એ કહ્યું હતું.