મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : માલપુર નગરમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. માલપુરમાં સ્થાનિક પોલીસતંત્રમાં રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓની રહેમ નજર હેઠળ દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ગુજરાતમાં દારૂબંધીની મજાક ઉડાવતો વિડીયો માલપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો હતો. માલપુર પોલીસે દારૂ પીને છાકટા બનેલા યુવકને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઇ જતા યુવકે ધુણવાનું શરૂ કરતા પોલીસકર્મીઓમાં અચરજ ફેલાયું હતું. માલપુર પોલીસે યુવક સામે પ્રોહીબીશ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી જાણે નશેડી યુવકનો બચાવ કરતો હોય કે પછી અગમ્ય કારણોસર નામ આપવામાં આનાકાની કરી કાગળિયાં બાકી હોવાનું રટણ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. 

માલપુર પોલીસે દારૂના નશામાં ધૂત બનેલ યુવકને દબોચી લઈ પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી ત્યારે યુવક જાણે કાયદેસરની કાર્યવાહી થી બચવા માંગતો હોય તેમ જોરજોરથી બૂમો પાડવાની સાથે ધુણવા લાગ્યો હતો અને માતાજી ના નામ લઇ બૂમો પાડી રહ્યો હતો. પત્રકારો પોલીસ સ્ટેશન પહોંચતા તેમની સામે પણ ધુણવા લાગતા પત્રકારો પણ અચ્મ્બિત બન્યા હતા. જો કે દારૂ પીધેલ યુવકનું ધૂણવાનું પણ કાયદેસરની કાર્યવાહીથી બચાવી શક્યું ન હતું. માલપુર પોલીસે યુવક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથધરી હોવાનું પોલીસે ટેલીફોનીક પુછપરછમાં જણાવ્યું હતું. જો કે અગમ્ય કારણોસર ફરજપર હાજર પોલીસકર્મીએ દારૂના નશામાં ધૂત બનેલા યુવકનું નામ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા. 

Advertisement