મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને લોકોની બેદરકારીને લઈ માર્ચ માસના પ્રારંભથી વકરેલો કોરોના હવે કાળો કેર સર્જી રહયો છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહયો છે. જિલ્લામાં સરકારી ચોપડે કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૧ હજાર નજીક પહોંચ્યો છે. સરકારી આંકડા કરતા જીલ્લામાં કોરોનાના દર્દીઓની સ્થીતી વધુ સ્ફોટક છે. જિલ્લામાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે જીવલેણ બનતી જાય છે. માલપુરની પી.જી.મહેતા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા સગર્ભા શિક્ષિકા કોરોનામાં સપડાતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન કોરોના સામે જંગ હારી જતા તેમના પરિવારજનો શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ સાથે ઘેરા શોકની લાગણી છવાઈ હતી. બાયડ પંથકમાં ૧૫ દિવસમાં સાત વધુ લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપ્યો છે.

માલપુરની પી. જી. મહેતા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામના રેખાબેન વાઘેલા નામના સગર્ભા મહિલા શિક્ષિકા કોરોનાની બીજી લહેરમાં સપડાતા તેમના પરિવારજનોએ તાબડતોડ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને અચાનક તબિયત લથડતા કોરોના જીવલેણ સાબિત થયો હતો. કોરોનાથી મોત નિપજતા હાહાકાર મચ્યો છે. યુવાન મહિલા શિક્ષિકા સગર્ભા હોવાથી કોરોના સામે એક સાથે બે જીંદગી હારી જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. મોડાસા શહેરના અંતિમગૃહમાં એક સાથે ત્રણ ત્રણ લોકોના કોરોનાની ગાઈડ લાઈન અનુસાર અંતિમવિધિ કર્યા બાદ બીજા દિવસે પણ કોરોના કાળમુખો બનતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.


 

 

 

 

 

બાયડ શહેર અને તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી છેલ્લા ૧૫ દિવસમાં ૭ થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે જેમાં અરવલ્લી, અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લેતા ડેમાઇ ગામના બે, બાયડ શહેરના બે સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ભારે ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે. વિશ્વમાં આતંક મચાવનાર કાળામૂખા કોરોનો ગુજરાત પર ઓસાયો વર્તાવતા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને કહેવાય છે કોરોનાની બીજી લહેરમાં ચેપ વધુ પ્રસરતો હોવાથી કેસોમાં રોકેટગતિએ વધારો થઇ રહ્યો છે. 

બીજી લહેર કેમ ઘાતક બની રહી છે...!!  કોરોનાના લક્ષણો પારખવામાં થાપ ખાઈ રહેલા દર્દીઓ અને તબીબો 

અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઉગ્ર અને જીવલેણ બનતી જતી હોવાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે. કારણ કે પહેલી લહેરમાં તાવ, શરદી જેવા કોરોનાના લક્ષણો દેખાતા હોવાથી જલદીથી ટ્રેસ થઇ જતો હતો પરંતુ બીજી લહેરમાં કોઈ પણ જાતના લક્ષણો દેખાતા નથી. અને લોકોને કોરોના થયો હોવાની જાણ થાય ત્યાં સુધીમાં વાઇરસ આંતરડાં સુધી ફેલાઈ ગયો હોય છે. જેથી કોરોનામા લીધે મોતની સંખ્યામાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં સરકારી ચોપડે કોરોનાથી ઓછા મોત બતાવતા હોય પણ સ્મશાનગૃહમાં નોંધાયેલા આંકડા પર નજર ફેરવીએ તો આખો પહોળી થઇ જાય તેવી સ્થતિ જોવા મળી રહી છે.

વાત્રક હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ ઉભી કરવામાં તંત્ર મુહર્ત જોઈ રહ્યું છે....? 

અરવલ્લી જીલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના અભાવે મોડાસાની સાર્વજનિક અને વાત્રક ટ્રસ્ટની હોસ્પીટલ સાથે એમઓયુ કરી કોવીડ હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓને બંને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવતા હતા પરંતુ બીજી લહેરમાં વાત્રક હોસ્પિટલ સાથે કરાર નહીં કરાતા કોવીડના દર્દીઓ સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છ કોરોના સંક્રમીત દર્દીઓ મોંઘીદાટ સારવાર લેવા મજબુર બન્યા છે જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉભી કરાયેલ કોવિડ-૧૯ હોસ્પિટલના તમામ બેડ પણ ફૂલ થઇ જતા તંત્ર નિઃસહાય લાગી રહ્યું છે ત્યારે વાત્રક હોસ્પિટલમાં ફરી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.જાણે સરકાર અને તંત્ર કોવીડ-૧૯ હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં મુહર્તની રાહ જોઈ રહ્યું છે કે શું....?? સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે 


 

 

 

 

 

બાયડ તાલુકામાં આધેડ અને અન્ય બિમારીથી પીડાતા લોકોની હાલત કફોડી

બાયડ તાલુકામાં છેલ્લા મહિનાથી કિલર કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે તાલુકામાં ક્યાંય સરકારી કોવિડ સેન્ટર ન હોવાથી ડાયાબિટીશ, બી.પી. સહિતની બીમારી ધરાવતા અને ઉમરલાયક લોકો કોરોનામાં સપડાય તો દાખલ થવા માટે મોડાસાની કોવિડ સેન્ટરમાં જવુ પડે છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર મળે છે. તે પણ આર્થિક રીતે નબળા પરિવારોને પોસાય તેમ નથી. આથી સરકાર દ્વારા બાયડની વાત્રક હોસ્પિટલમાં તાકીદે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.