મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ સાથે વિદેશી દારૂની પણ મોટા પ્રમાણમાં પીવાઈ રહ્યો હોવાથી બિલાડીના ટોપની જેમ બુટલેગરોનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજસ્થાન અડીને હોવાથી અંતરિયાળ માર્ગેથી વીદેશી દારૂનો જથ્થો લાવી વેપલો કરી રહ્યા છે. અરવલ્લી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાના આગમન પછી જીલ્લામાં બુટલેગરો પર તવાઈ બોલવતા નામચીન બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી જતા સ્થાનિક નાના બુટલેગરો સક્રિય થયા છે. માલપુર પોલીસે ચોરીવાડ ગામમાંથી નરસિંહ રામભાઈ મસારના ઘરેથી ૨૫ હજાર અને અમરત કોહ્યાભાઇ પગીના ખેતરમાંથી ૮ હજારનો દારુનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસ રેડની ગંધ આવી જતા બંને બુટલેગરોએ ફરાર થઇ જતા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમને ચોરીવાડ ગામમાં વિદેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાની બાતમી મળતા બાતમીના આધારે નરસિંહ રામભાઈ મસાર નામના બુટલેગરના ઘરે છાપો મારતા ઘરમાંથી વિદેશી દારૂ,ક્વાંટરીયા,બીયરના ટીન અને રાજસ્થાની દેશી મદિરાની પ્લાસ્ટિક ક્વાંટરીયા નંગ-૨૧૩ કીં.રૂ.૨૫૭૦૦/-નો જથ્થો જપ્ત કર્યો હતો. અન્ય એક બુટલેગર અમરત કોહ્યાભાઇ પગીએ ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતા માલપુર પોલીસે મકાઈના ખેતરમાં શોધખોળ હાથધરતા ખેતરમાં મકાઈના પાકની વચ્ચોવચ સંતાડી રાખેલ વિદેશી દારૂના ક્વાંટરીયા અને પ્રીન્સ દેશી મદિરાના ક્વાંટરીયા નંગ-૭૧ કીં.રૂ.૮૫૦૦/-નો જથ્થો જપ્ત કરી પોલીસરેડ જોઈ ફરાર બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાંન કર્યા હતા.