મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ માલપુર પોલીસ ગામમાં ચાલતા દેશી-વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોને હપ્તારાજ ચલાવી છાવરતી હોવાના આક્ષેપો ગ્રામજનોએ ઉઠાવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પોલીસની છત્રછાયામાં ફાટીને ધુમાડે ગયેલા ત્રણ બુટલેગરો બિન્દાસ્ત રીતે દેશી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જેઓને છૂટોદોર અપાઈ રહ્યો છે અને દારૂ પીવાવાળાને પોલીસ પકડીને કાર્યવાહી કરતા વિરોધના વંટોળ ઉઠવા પામ્યો છે. 

ગુજરાત વાલ્મિકી સમાજના કન્વીનર લાલજી ભગતે માલપુર પોલીસ સામે દેશી દારૂ ચલાવતા બુટલેગરો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી અને ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા જીલ્લા કલેક્ટર અને મામલતદારને વારંવાર આવેદપાત્ર આપવામાં આવ્યા હોવા છતાં દારૂના અડ્ડા બંધ થતા નથી. દારૂની બદીને લીધે નાની ઉંમરે વાલ્મિકી સમાજની દીકરીઓ વિધવા બની રહી છે અને પોલીસ ઈરાદા પૂર્વક વાલ્મિકી સમાજના આધેડને પકડવામાં આવ્યો હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કરતા પોલીસતંત્ર દોડતું થયું હતું.

માલપુરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં ત્રણ બુટલેગરો બિન્દાસ્ત દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાના બદલે ગામનો કોઈ વ્યક્તિ નશામય હાલતમાં પકડાય તો પોલીસ તુરંત કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પોલીસની બેધારી નીતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુર વાલ્મિકી ફળિયામાં રહેતો શ્રમિક આધેડ મજૂરી કર્યા બાદ મંગળવારે સાંજે ગુગલી વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડા પર દારૂ પીવાની ટેવના લીધે પીવા પહોંચતા માલપુર પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન પકડાયેલા આધેડને માર મારી અટકાયત કરતા ગ્રામજનો વિફર્યા હતા અને ગ્રામજનોના ટોળેટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. પોલીસ દારૂ વેંચતા બુટલેગરો સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી તેવી ભારપૂર્વક રોષ સાથે રજૂઆત કરતા પોલીસ મૂંઝવણમાં મુકઈ અને દારૂ પીધેલા આધેડને જામીન પર છોડી મુકવામાં આવ્યો હતો.