મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોનાની મહામારી વચ્ચે ઘરેલુ હિંસાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામે વિધવા પુત્રવધુ અને તેના ૮ વર્ષના પુત્રને મિલ્કતમાં ભાગ ન આપવો પડે તે માટે તેના સાસુ-સસરાએ ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તગેડી મુકતા ભારે ચકચાર મચી છે. નિસહાય વિધવા મહિલાએ અસહ્ય બનેલા સાસુ -સસરા વિરુદ્ધ માલપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

માલપુર તાલુકાના જુના તખતપુરાની જયશ્રીબેન પુર્ષોત્તમભાઇ પટેલ નામની યુવતીનું સામાજિક રીતરિવાજ મુજબ મેવડા ગામે નૈનેશ કુમાર રમણભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન જીવનના સુખી સંસાર રૂપે એક પુત્રનો જન્મ થયો હતો હાલ પુત્ર માલપુરની ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. હર્યાભર્યા પરિવારને કોઈની નજર લાગી હોય તેમ એક વર્ષ અગાઉ નૈનેશ પટેલનું અગમ્ય કારણોસર મોત નિપજતા મહિલા પર આભ તૂટી પડ્યું હતું. મહિલાના પતિનું મોત નિપજતાના થોડા દિવસોમાં જ સાસુ-સસરાએ પોત પ્રકાશ્યું હતું અને સહિયારી મિલકતમાંથી વિધવા પુત્રવધૂને ભાગ આપવો ન પડે તે માટે માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. તેમ છતાં વિધવા પુત્રવધુ લાચાર હોવાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરતી હતી. સાસુ-સસરાએ મહિલાને સતત બિભસ્ત ગાળો બોલી, ગડદા-પાટુનો માર -મરાતા અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા આખરે અસહ્ય બનેલા ત્રાસના પગલે મહિલાએ માલપુર પોલીસનો આશરો લીધો છે.

જયશ્રીબેન નૈનેશભાઈ પટેલ નામની પુત્રવધૂએ જશોદાબેન રમણભાઈ પટેલ (સાસુ) અને રમણભાઈ નાથાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.