મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી એનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટાચારી તલાટી ગરીબ પ્રજાને સરકારી કામકાજ માટે નાણાં લઇ ખંખેરી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં વારસાઈની નોંધ પડાવવા માટે અરજદાર પાસે રેવન્યુ તલાટીએ શરમ નેવે મૂકી ૭ હજાર રૂપિયાની માંગ કરતો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે ત્યારે જીલ્લા કલેકટર માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં સેજો ધરાવતા ભ્રષ્ટાચારી રેવન્યુ તલાટીના વાયરલ થયેલા ઓડિયો અંગે તપાસ કરાવી શખ્ત કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે. મેરાન્યુઝ વાયરલ ઓડિયો અંગે પુષ્ટી કરતુ નથી.

ગુરુવારે માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા એક ભ્રષ્ટ તલાટીનો અરજદાર પાસે વારસાઈ નોંધના ૭ હજાર રૂપિયા માંગતો ઓડિયો વાયરલ થતા વહીવટી તંત્રમાં હડકંપ મચ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં અરજદાર તલાટીને બાઈકનું પંચર થયું હોવાથી વાર લાગશે તેમ જણાવી રહ્યો છે ત્યારે તલાટીને જાણે ભ્રષ્ટાચારની તલબ લાગી હોય તેમ અરજદારને સામે કેટલી વાર લાગશે તેમ જણાવી રહ્યો છે. અરજદાર ૭ હજારના બદલે ૪ હજાર રૂપિયાનું સેટીંગ થયું હોવાનું જણાવતા તલાટી તમે ઓફિસે રૂબરૂ આવો અને સિક્કો તો મરાવો અને પછી મળીએ છીએ ની વાર્તાલાપનો ઓડિયો વાયરલ થયો છે. હાલ ઓડિયો વાયરલ થતા રેવન્યુ તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સમગ્ર જીલ્લામાં ગરીબોને ખંખેરનાર રેવન્યુ તલાટી કોણ તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.
 

Advertisement