મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદથી કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સુધી સડસડાટ જતાં સી પ્લેનની જાહેરાતો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે થઈ હતી. આ પ્લેનને સર્વિસ માટે પણ માલ્દીવ્સ મોકલવું પડે છે. તેને મેઈનટેઈન કરવું પણ એટલું જ જરૂરી છે. હાલમાં જ 9 એપ્રિલે તે માલદીવ સર્વિસ માટે ગયું હતું જે હજુ સુધી પાછું ન આવતા હાલ કેવડિયા પ્રવાસીઓ માટે ઓપન છે પણ સી પ્લેન સેવા બંધ છે.

શરૂઆતથી જ વિવાદો વચ્ચે રહેલી અમદાવાદથી કેવડિયાની સી પ્લેન સેવા વધુ એક વિવાદ વચ્ચે ઘેરાઈ છે. અગાઉ પ્રધાનમંત્રી દ્વારા તેના લોન્ચિંગ સમયે ચૂંટણીને લઈને વિપક્ષો અને સોશિયલ મીડિયા તેને ઘેરી વળ્યું હતું. બાદમાં જ્યારે તેના ભાવ જાહેર થયા ત્યારે તેને ફરી વિવાદોનો સામનો કરવો પડ્યો. તે પછી તેની સર્વિસને લઈને અને તેના કોસ્ટિંગને લઈને ચર્ચાઓ જાગી હતી. હવે ફરી એક વિવાદ તેની સાથે જોડાયો છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી આ પ્લેન સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉડાન ભરે છે. 50 વર્ષ જુનું રજીસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતા આ પ્લેનની વર્ષ 2020 નવેમ્બરે તેની સેવા શરૂ થઈ હતી. અમદાવાદ કે ગુજરાતમાં તો સી પ્લેનના મેઈન્ટેઈનન્સની કોઈ સુવિધા જ નથી ત્યારે પાળેલો હાથી લઈને મેઈન્ટેઈનન્સ માટે છેક માલદીવ જવું પડે છે. જ્યાં તેની સર્વિસ થાય છે. અહીં તે દર દોઢ મહિને મેઈન્ટેઈનન્સ માટે મોકલવું પડે છે. ફ્લાઈંગ અવર પુરા થાય ત્યારે ઓપરેટર સ્પાઈસ જેટે તેને પ્લેનને માલદીવમાં નવમી એપ્રીલે મોકલ્યું હતું. જોકે 75 દિવસ થયા છત્તાં તે હજુ સુધી પાછું આવ્યું નથી.

હાલ કોરોનાને લઈને બંધ થયેલા પ્રવાસી સ્થળોને સરકારે ખુલ્લા મુક્યા છે. પ્રવાસીઓનો ધસારો વધ્યો છે ત્યારે જ સી પ્લેન સેવા બંધ છે. એટલું જ નહીં એ પણ નક્કી નથી કે સી પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવું. ખુદ એરલાઈન્સે આ અંગે જણાવ્યું હતું. કે હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી.