મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પોરબંદરની કલેક્ટર કચેરી આજ સવારથી જ ધ્રુજી રહી હતી કારણ માલધારી સમાજની મહિલા શક્તિ હતી. લોકરક્ષક દળની ભરતીમાં થયેલા રબારી, ભરવાડ, ચારણ સમાજના ઉમેદવારો માટે એક મહારેલી યોજવામાં આવી હતી. માલધારી સમાજની મહિલાઓ આ રેલીમાં જોડાઈ હતી. શહેરના શિતલ ચોકથી જિલ્લા પંચાયત કચેરી સુધી આ મહારેલી યોજાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે તેમણે વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. તેઓ છેલ્લા 12 દિવસથી આ મામલે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે પરંતુ એક સત્તાધારી નેતા આ અંગે તેમની સાથે ન્યાય થશે તેવું કહેવા આવ્યા નથી.

પોરબંદરમાં છેલ્લા 12 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. બીજી તરફ થોડા દિવસ પહેલા જ જુનાગઢમાં પણ એક રેલી નીકળી હતી જેને તંત્રને પરસેવો લાવી દીધો હતો, પરંતુ આજે જ્યારે મહિલાઓની મોટી રેલી પોરબંદરમાં નીકળી તો ગાંધીનગરની ખુરશીઓ પણ હચમચી ગઈ છે. આ રેલીમાં મહિલાઓ સાથે પુરુષો પણ હતા પરંતુ આ રેલીમાં મહિલાઓ મોટી સંખ્યામાં એક સાથે આવી હતી. આ ઉપરાંત માલધારી સમાજના કલાકારો પણ આ રેલીના સમર્થનમાં હતા. 

આ વિરોધના કારણમાં એવા આક્ષેપો સામે આવ્યા છે કે, લોકરક્ષક દળની પરીક્ષામાં જ્યારે મેરિટ લીસ્ટ પડ્યું ત્યારે સૌરાષ્ટ્ર, ગીર, બરડા વગેરે વિસ્તારોના અનુસુચિત જાતિના રબારી, ભરવાડ, ચારણ સમાજના ઉમેદવારો સાથે અન્યાય કરીને તેમના મેરિટ સારા હોવા છતાં તેમને ભરતી મળી નથી. છેલ્લા 12 દિવસથી આ જ મામલાને લઈને ઉપવાસ આંદોલનો અને રેલીઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓમાં ઘાલમેલ અને ભ્રષ્ટાચારોના આક્ષેપોને લઈને ઘણી પરીક્ષાઓ હાલ શંકાના દાયરામાં આવી ગઈ છે. ન્યાયીક પરીક્ષા લેવાનું જાણે સરકારના દમમાં જ નથી તેવું વારંવાર સામે આવી રહ્યું છે. સરકારી તંત્ર જ ફૂટી ગયાના ઘણા આક્ષેપો થવા લાગ્યા છે. જેને કારણે મહેનત કરીને આગળ વધનારા વિદ્યાર્થીઓના મનોબળ તૂટી રહ્યા છે અને ચોરી કરી પરીક્ષામાં પાસ થનારા ચોરોની હિંમત વધી રહી છે. સરકાર જલ્દી જ આ સમસ્યાનો નિવેડો નહીં લાવે તો આગામી સમયમાં સરકારી નોકરી માટે કોઈ મહેનત નહીં કરે ચોરી કરી કેમ આગળ આવવું તે જ રસ્તો શોધતા રહેશે.