જૂનાગઢ: વર્ષ 2018માં જાહેર કરવામાં આવેલી લોકરક્ષક દળની ભરતીમાં અનુસુચિત જન જાતિના સર્ટિફિટેક માન્ય ન ગણાતા માલધારી સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે દેખાવો અને વિરોધના કાર્યક્રમો યોજાયા છતાં કોઇ પરિણામ ન આવતા હવે માલધારી સમાજના મુંજરભાઇ પુંજાભાઇ હુણ નામના વ્યક્તિએ ગુજરાત સરકાર વિરૂદ્દધ સુસાઇડ નોટ લખી ફાસો ખાઇ આપઘાત કરી લીધો હોવની ઘટના બની છે. મુંજરભાઇના બંને પુત્રો લોકરક્ષકની પરિક્ષામાં પાસ થયા હતા પરંતુ ડોક્યમેન્ટ વેરિફિકેશન દરમિયાન જાતિનું અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં ન આવતા તેમણે આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યુ છે તથા ગુજરાતની ભાજપ સરકાર પર પણ રોષ ઠાલવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા મુંજરભાઇ પુંજાભાઇ હુણ નામના વ્યક્તિએ આજે કચેરીમાં પંખા સાથે વાયર બાંધીને ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતા. આપઘાત પહેલા મુંજરભાઇ હુણે સુસાઇડ નોટ લખી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેમના બંને પુત્રો રાજુ અને સંજય લોકરક્ષકની પરીક્ષામાં પાસ થયા હતા પરંતુ અનુસુચિત જન જાતિના પ્રમાણપત્રને માન્ય ન ગણતા તેમનું સિલેક્શન થયુ નથી. જેથી તેઓ આપઘાત કરી રહ્યા છે. સુસાઇડ નોટ અંશ આ પ્રમાણે છે....

મારા પુત્રોએ લોકરક્ષકની પરીક્ષા પાસ કરી જાતિ અંગેના અનુસુચિત જન જાતિ પ્રમાણપત્રની ખરાઇ માટે આદિજાતી કમિશનર કચેરીમાં ગાંધીનગર ખાતે ખરાઇની કાર્યવાહી પુરાવા રજુ કરવા છતાં ખરાઇ કરેલ નથી અને રિઝલ્ટ જાહેર કરી અમને અમને અન્યાય કર્યો છે. આવા ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ મારો જીવ લીધો છે. મારા મોત માટે મુખ્યમંત્રી રૂપાણી, આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, ગૃહ વિભાગના સચિવ સહિતા અધિકારીઓ જવાબદાર છે. રાજકીય દબાણમાં આવીને લોકરક્ષકની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપની કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઇ રહી છે. મારા મોત માટે જવાબદાર ઉપરોક્ત નેતા-અધિકારીઓ જવાબદાર હોવા છતાં તેમની સામે ભાજપ કંપની સરકાર કોઇ કાર્યવાહી નહીં કરે. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય  આપશે. હું મારા બંને દિકરાની વેદના જોઇ ન શક્યો. મોઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાનપદ આપે તો પણ તે નકારજો....