મેરાન્યૂઝ નેટવર્ક.મહુધાઃ તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયાની સ્વચ્છ છબીથી ફરજ દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બાયડમાં ટીડીઓનો ચાર્જ સાંભળતાની સાથે કોન્ટ્રાક્ટરો અને ફોલ્ડરિયા રાજ પર પ્રતિબંધ ફરમાવી દેતા ફફડી ઉઠ્યા હતા અને રાજકીય આકાઓના પેટમાં તેલ રેડાતા ગાંધીનગર સુધી ખોટી રજૂઆત કરી મહિલા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાવવામાં સફળ રહ્યા હતા અને મહુધા તાલુકા પંચાયતમાં બદલી કરી દેવામાં આવી હતી. મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ તાલુકામાં ચાલતા વિકાસના કામો અને ગ્રાન્ટમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા શખ્ત કાર્યવાહી કરતા સરપંચ એસો.એ ખોટા આક્ષેપો સાથે રાજીનામાં ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો હતો. જોકે કેટલાક સરપંચોએ તેમને અંધારામાં રાખી તેમના લેટરપેડનો સરપંચ એસો. એ દૂર ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા સરપંચ એસો પ્રમુખે મહિલા તાલુકા વિકાસ અધિકારીની માફી માંગી લીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહુધા તાલુકા સરપંચ એસોસીએસન ના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો ભીંસમાં આવી ગયેલા સરપંચ સંગઠન ના પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માફી માંગી સમાધાનનો પ્રયાસ કર્યો છે. જોકે સંગઠિત થઈને પોતાની વાતો મનાવવાનો અને અધિકારીઓને ભીંસમાં લેવાના પગલાંથી ખેડા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. જોકે નિષ્ઠાથી કામ કરનાર મહિલા વિકાસ અધિકારીએ રાજકીય રમતોને દાદ આપી ન હતી. મહુધા તાલુકાના વિકાસ માટે નવા દ્વાર ખુલ્યા હોવાની સાથે જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈનની યાદ તાજા કરાવી દીધી છે.

મહુધા તાલુકા સરપંચ એસોશિએશન દ્વારા કોવિડ 19 ની મહામારી વચ્ચે માસ્ક પહેરીને તાલુકાવિકાસ અધિકારી સામે નારાજગી અને આક્ષેપો કરી રાજીનામાં ધરી દીધા હતા. જેમાં નવ નિયુક્ત મહિલા અધિકારી દ્વારા સરપંચો તદ્દન ખોટા હોવાનું જણાવ્યું હતું અને આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણવ્યું હતું. પ્રામાણિકતાથી કામ કરવું જો ફરજ નો ભાગ હોય તો તેઓએ નિષ્ઠાથી ફરજ બજાવી છે, જેથી દૂધ ની દૂધ અને પાણીનું પાણી થશે તેમ જણવ્યું હતું, 

મહુધા વિકાસ અધિકારીએ સરપંચોની તપાસ કરતા કેટલાક સરપંચોની કોરા કાગળો ઉપર સહી કરાવી હોવાનો મામલો બહાર આવ્યો હતો. જેથી મહિલા તાલુકા વિકાસ અધિકારીએ એકલા હાથે જજુમી સરપંચ સંગઠનના પ્રમુખ સામંતસિંહ સોઢા પરમાર રહે મીનાવાડાને ખુલાસા માટે બોલાવ્યા હતા. જેમાં જૂઠના વટાણા વેરાઈ ગયા હતા અને સંગઠનનો પરપોટો ફૂટી ગયો હતો અને નિષ્ઠાવાન અધિકારી વિરુદ્ધ ઉભા કરવામાં આવેલા ષડયંત્ર નો પર્દાફાશ થયો હતો. સરપંચ સંગઠનના પ્રમુખ દ્વારા મહિલા અધિકારી સમક્ષ માફી માંગી હતી. 

મહુધા વિકાસ અધિકારી દ્વારા પ્રેસનોટ જાહેર કરીને સરપંચોના રાજીનામાંનો પર્દાફાશ કર્યાની જાણકારી અપાઈ છે, જોકે કોરા લેટર પેડ કોણે મંગાવ્યા અને તેમાં કયા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે એસોસીએસનના નામે અધિકારીઓને દબાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે અને સંડોવાયેલા લોકો વિરુદ્ધ આગામી દિવસો તપાસ દરમ્યાન સત્યો બહાર આવશે જે માટે વિકાસ અધિકારી ઢીલું મુકવા તૈયાર નથી. વહીવટી તંત્ર ઉપર અવિશ્વાસ ઉભો થાય તેવા પગલાંને ડામી દેવા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.

તાલુકા વિકાસ અધિકારીએ તાલુકાના પ્રજાજનોને પણ તાલુકાના વિકાસના કામો યોજનાકીય બાબતો અને માહિતી માર્ગદર્શન મળતું ના હોય અથવા કોઈ ગેરરીતિ આચરવામાં આવતી હોય તો વિના સંકોચે કચેરી અને પોતાનો ફોન નંબર 99099 54719 જાહેર કરી વિગતો આપવા જણાવ્યું છે.