મેરાન્યૂઝ નેટવર્ક.મહુધા: ગતિશીલ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોવાની બૂમો વારંવાર ઉઠતી રહી છે. ખેડા જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાંટો માંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો સતત ઉઠી રહી છે.  કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ ખુદ કોન્ટ્રાકટર બની બેઠા છે ત્યારે મહુધા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયાએ ચાર્જ સંભળાતાની સાથે ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓના પેટમાં તેલ રેડાતા કાજલ આંબલિયાને બાનમાં લેવા સરપંચોએ રાજીનામાંનું હથિયાર ઉગામ્યું હતું જેમાં નિષ્ફળતા મળી હતી. તાલુકા વિકાસ અધિકારીએ મહુધા તાલુકામાં  વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચારને અટકાવવા સતત પ્રયત્નશીલ બન્યા છે ત્યારે ચુણેલ અને અલીણા ગામમાં પેવરબ્લોકમાં હલકી કક્ષાના પેવરબ્લોક નાખી રૂપિયા ખિસ્સામાં મુકવા જતા ફસાઈ ગયા છે અને પેવરબ્લોક ઉખેડવાની નોબત આવતા સમગ્ર તાલુકામાં ગ્રામ્ય પંચાયતનો વહીવટ ખુલ્લો પડી જતા ભારે ચકચાર મચી હતી. 

મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાને ચુણેલ અને અલીણા ગામના સરપંચ ગામમાં થઇ રહેલ વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર આચરતાં હોવાની અને પેવરબ્લોકની કામગીરીમાં હલકી કક્ષાના પેવરબ્લોક નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ મળતા વિકાસ અધિકારી કાજલ અંબાલિયાએ  ચુણેલ ગામે સ્થળ તપાસ કરી ઇજનેરને સમગ્ર પેવરબ્લોકની કામગીરીની પરીક્ષણ કરવા અને પેવરબ્લોકનું ટેસ્ટિંગ કરવા જણાવતા પેવરબ્લોક એમ.૨૫ ની જગ્યાએ એમ.૧૬.૩૦ સ્ટ્રેન્થના નાખવામાં આવ્યા હોવાનું બહાર આવતા સરપંચને નોટિસ આપી ટેન્ડર પ્રમાણે પેવરબ્લોક નાખવા માટે નોટિસ ફટકારતા સરપંચ ફફડી ઉઠ્યો હતો અને પેવરબ્લોક ઉખેડી નાખવાની ફરજ પડી છે. મહુધા તાલુકા વિકાસ અધિકારીની કામગીરીની સમગ્ર તાલુકામાં ભારે સરાહના થઇ રહી છે. મહુધા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અદારનાર ટોળકી ધીરે ધીરે આગાપાછી થવા મજબુર બની છે.