મેરાન્યૂઝ નેટવર્ક.મહિસાગરઃ સમગ્ર દેશના પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ગુજરાતનો મહિસાગર જીલ્લો રાજ્યમાં ૩૪ વર્ષ પછી જોવા મળેલા વાઘ અને થોડા દિવસો પછી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ વાઘના મૃતદેહના પગલે ખુબ જાણીતો બન્યો છે. મહિસાગર જીલ્લાના જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલા પશુપાલકના બકારાઓનું વાઘે મારણ કર્યું ત્યારે પશુપાલકે વાઘ સાથે તેનો પરિવાર હોવાનું જણાવ્યું હતું, પરંતુ વનવિભાગ તંત્રે પુષ્ટિ કરી ન હતી, ત્યાર બાદ આજ સુધી મહિસાગર જીલ્લાના જંગલમાં વાઘણ અને બાળ વાઘ હોવાનું અને રાત્રીના સુમારે વાઘ ત્રાડો નાખતો હોવાનું જણાવ્યું હતું.

મહિસાગર જીલ્લામાં શિંગનલી ચોકડી પાસે લુણાવાડા તાલુકાના ટીમ્બા ગામે ખેતરમાં વાઘણ અને બાળ વાઘના પગલાં દેખાતા ખેતર માલિકે વનવિભાગ તંત્રને જાણ કરી હતી. વનવિભાગ તંત્ર દ્વારા વાઘણનાં અને બાળ વાઘના પગલાં હોવાની પુષ્ટિ કરી નથી.

મહિસાગર જીલ્લાના ફોરેસ્ટર રોહિત પટેલના જણાવ્યા અનુસાર ટીમ્બા ગામ નજીક ખેતરમાં વન્ય પ્રાણીના ફૂટ માર્ક મળી આવ્યા છે. જીલ્લા વનવિભાગ તંત્ર દ્વારા મહિસાગર જીલ્લામાં અગાઉ જે વિસ્તારમાં વાઘ કેમેરામાં કેદ થયો હતો તે ઉપરાંત ટીમ્બા ગામ નજીક નાઈટ વિઝન કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

મહિસાગર જીલ્લામાં લુણાવાડા નજીક આવેલી શિંગનલી ચોકડીથી સંતરામ પાર્ક જંગલ વિસ્તાર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોને અનેકવાર રાત્રીના સુમારે વાઘની ત્રાડો સંભળાતી હોવાનું જણાવી રહ્યા છે બીજીબાજુ વનવિભાગ તંત્ર વાઘણ અને બાળ વાઘની મહિસાગર જીલ્લામાં હોવાની વાત સ્પષ્ટ નકારી રહ્યું છે.