જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. જેના કારણે જિલ્લામાં હાલમાં કોઈ હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ઓક્સિજન બેડની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે સારવાર માટે ભારે રઝળપાટ કરવાની સાથે દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં આજુબાજુના જીલ્લા સહીત રાજસ્થાનથી દર્દીઓ કોરોનાની સારવાર માટે એનકેન પ્રકારે પહોંચી રહ્યા છે ત્યારે મહીસાગર જીલ્લાના વડધરી ગામનો ગરીબ પરિવાર ઘરના મોભીને કોરોનાગ્રસ્ત થતા મહીસાગર જીલ્લામાં સારવાર ન મળતા ઓક્સીજનની બોટલ સાથે રિક્ષામાં અરવલ્લી જીલ્લાની સરકારી કોવીડ હોસ્પિટલોમાં સારવાર માટે છેલ્લા ૨૪ કલાકથી ભટકી રહ્યો છે કોરોનાગ્રસ્ત દર્દીને ઓક્સીજનની સતત જરૂર હોવાથી રીક્ષામાં ઓક્સીજનની બોટલ સાથે દર્દીના પરિવારજનો ઝડપથી સારવાર માટે કાકલુદી કરી રહ્યા હોવાથી મીડિયા સામે પરીવારની મહિલા અને રિક્ષા ચાલકે દર્દીને ઝડપથી સારવાર મળે તે માટે આજીજી કરતા નજરે ચઢ્યા હતા. મહિલાની આંખોમાં આંસુ પણ સુકાતા ન્હોતા.


 

 

 

 

 

ગુજરાતમાં કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા સતત વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સીજન અને વેન્ટીલેટર બેડ ફૂલ થઇ ગયા છે મહીસાગર જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે મહીસાગર જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓ યોગ્ય આરોગ્યલક્ષી સેવાના અભાવે હાલત કફોડી બની છે ત્યારે મહીસાગર જીલ્લાના વડધરી ગામનો એક ગરીબ મહિલા અને તેનો પરિવાર તેમના સ્વજનને અરવલ્લી જીલ્લામાં યોગ્ય સારવાર મળી રહેશે એ આશાએ રિક્ષામાં ઓક્સીજન સિલિન્ડર સાથે પહોંચ્યા પછી સરકારી કોવીડ હોસ્પિટલમાં બેડ ન મળતા છેલ્લા ૨૪ કલાકથી દર્દીને રિક્ષામાં ઓક્સીજન આપી રહ્યો હોવાની સાથે સારવાર માટે ભારે રઝળપાટ કરી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં ઊભી કરેલ સરકારી કોવીડ હોસ્પિટલના બેડ ફૂલ હોવાથી ફરજ પરના તબીબો પણ કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરવામાં લાચારી અનુભવી રહ્યા હોય તેમ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ધકેલી રહ્યા હોવાનું ગરીબ પરિવારના સ્વજને જણાવ્યું હતું.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ડૉ. અનીલ ધામેલીયા ગરીબ પરિવારની વ્હારે

મહીસાગર જીલ્લાના વડધરી ગામનો ગરીબ લાચાર પરીવાર છેલ્લા બે દિવસથી ઘરના મોભીને કોરોના થતા ઓક્સીજનની બોટલ સાથે રિક્ષામાં સારવાર માટે ભટકી રહ્યો હોવાના સમાચાર સ્થાનીક યુ-ટ્યૂબ ચેનલ પર પ્રસારીત થતા જીલ્લા વિકાસ અધિકારી ડૉ. અનીલ ધામેલીયાને ધ્યાને આવતા તાબડતોબ ગરીબ પરિવારનો ટેલીફોનીક સંપર્ક કરી તેમના સ્વજનને યોગ્ય સારવાર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિક આરોગ્ય તંત્રને તાકીદ કરતા ગરીબ પરીવારની ચિંતા દૂર થતા હાશકારો અનુભવ્યો હતો.

જોકે ઉલ્લેખનીય છે કે આ ગરીબ પરિવાર જેવા નસીબ દરેકના હોતા નથી. તંત્રએ કપરી ગરમી અને દુઃખ, દર્દ સાથે તંત્ર સામે મીટ માંડીને બેઠેલા આવા ઘણા પરિવારોની ચિંતા દૂર કરવા યોગ્ય સંકલન અને સંચાલન ઝડપથી કરવું અનિવાર્ય બન્યું છે.