તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે રાજકારણનું નામ સાંભળતા જ અભણ નેતા અને તેમના દ્વારા થતા અઢળક ભ્રષ્ટાચાર અને સત્તાના જોરે થતી દાદાગીરી જ નજર સમક્ષ તરે છે. કારણ પણ વાજબી છે કે દેશમાં વર્ષો સુધી તો આજ પ્રકારની વ્યવસ્થા લોકોને જોવા મળી છે, પરંતુ હવે અભ્યાસુ, લડાયક અને સમાજ માટે કાર્ય કરતા યુવાનો પણ રાજકારણમાં જોડાઈ રહ્યાં છે. આવા જ લડાયક અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના માટે તડીપારના આદેશનો સામનો કરી ચુકેલા મહિપતસિંહે રાજકીય ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી ગુજરાત સાથે જોડાઈ એન્ટ્રી મારી છે.

70 હજારની નોકરી છોડી સ્માર્ટ સરપંચ બન્યા

ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામના વતની મહિપતસિંહ ચૌહાણના જાહેર જીવન પ્રવેશની કહાની ખુબ જ રસપ્રદ છે. યુવા આંદોલનકારી તેમજ સર્વ સમાજ સેના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. અભ્યાસમાં રૂચી રાખનાર મહિપતસિંહ બેંગ્લોરની એક આઈ.ટી. કંપનીમાં 70 હજાર માસિક પગાર મેળવતા થયા છતા સમાજસેવાનો 'કીડો' જંપવા દેતો ન હોય, તેઓ વતન લવાલ પરત આવી ગયા. લવાલ આવતા જ ખ્યાલ આવ્યો કે ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો ઉધ્ધાર કરવા સિસ્ટમમાં જોડાવું જરૂરી છે. આમ યુવાન મહિપતસિંહ ગામના સૌથી નાની ઉંમરના શિક્ષિત સરપંચ બન્યા. બસ આ સરપંચ પદ મેળવી રાજકારણના રંગે નહીં રંગાઈ ખરેખર ગ્રામ વિકાસનું કામ કરવા લાગ્યા. જોત જોતામાં સુવિધાસભર ગામ બનાવ્યું અને આદર્શ ગામ બનવાને લિધે પંચાયત રાજ દિવસની ઉજવણી 2018માં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલએ "સ્માર્ટ સરપંચ"નો એવોર્ડ એનાયત કર્યો.

બળતામાં ઘી હોમાયું

ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના જણાવ્યું કે, એક કદમ આગળ વધી મહિપતસિંહે રાજ્યના શિક્ષિત યુવાનો સરપંચ બને અને ગ્રામ વિકાસ કરે તેવા આશય સાથે સર્વ સમાજની સ્થાપના કરી. યુવાનોને રાજકારણમાં લાવી સ્માર્ટ ગામના સ્માર્ટ સરપંચ બનાવવાના ઉદ્દેશ સાથે નિકળેલા મહેન્દ્રસિંહ હવે રાજકારણના ભોગ બનવા સજ્જ હતા. આટલું ઓછું હતું તો તેમણે લૉકડાઉન દરમ્યાન ખેડાની ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીને પગાર નહીં આપતા આંદોલન છેડ્યું. આંદોલન સફળ રહેતા 5000 હજાર કર્મચારીને 6 કરોડની આસપાસનો પગાર પણ મળ્યો. અગાઉ નગરપાલિકા, તાલુકા પંચાયતના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું કામ પણ ‘બળતામાં ઘી હોમી ગયું’. અવાજ ઉઠાવે તેવો માથા ફરેલો યુવાન સામે આવતા સ્થાનિક રાજકારણ સક્રિય થયું અને આખરે સત્ય બોલવાના પરિણામો પ્રજા સામે આવવા લાગ્યા.

5 જિલ્લામાંથી તડીપારના આદેશ

ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, લડત, આંદોલન અને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની અસર એવી થઈ કે મહિપતસિંહ જિલ્લાના ગુનેગાર હોય તેમ વતન સહિતના 5 જિલ્લામાંથી તડીપારના આદેશ થયા. ખોટા કેસ થયા અને આરોપનો દૌર શરૂ કરી તેમને હટાવવાના તમામ કિમિયા અજમાવાયા. સત્તાના નશામાં નેતા જે કંઈ પણ કરી શકે તે તમામ દાવનો ભોગ બનેલા યુવાન મહેન્દ્રસિંહ હવે કાયદેસર રીતે રાજકારણમાં આવ્યા છે. તેઓ ગઈકાલે ગુરૂવારે સત્તાવાર રીતે દિલ્લી કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રભારી ગોપાલ રાય, ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.

આમ આદમી બની રહેવાની મોટી કસોટી

આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી મહેન્દ્રસિંહ આવનારા સમયમાં આમ આદમી જ રહેશે કે અદના આદમી બની જશે તે સમય જ બતાવશે. ભવિષ્યની આશા બાંધવી પણ જરૂરી છે કેમકે ગુજરાતના રાજકારણમાં ઘણા યુવા નેતાઓ છે જેમની લાઈફ સ્ટાઈલ હવે સામાન્ય નાગરિકથી ક્યાંય ઉપર વી.આઈ.પી. બની ગઈ છે. મહાત્મા ગાંધીના નામે રાજકારણમાં ચરતા નેતાઓને પણ મોંધા બુટ અને વૈભવી કાર વાપરતા ગુજરાતની જનતા મુક બની નિહાળી રહી છે.