બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગણતરીના બે દિવસમાં વિદાય લેનાર કનોડિયા બંધુઓ મહેશભાઈ અને નરેશભાઈ ગીત-સંગીત અને અભિનય થકી લોકમનોરંજનની સાથે લોકસેવાના કામ તરફ વળ્યા તેની પાછળ હિન્દી ફિલ્મોની ગુજરાતી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીની પ્રેરણા કામ કરી ગઈ હતી. મુંબઈમાં પેડર રોડ પર બન્નેના ઘર નજીક-નજીકમાં હતા. એકમેકના કામનો – કલાસાધનાનો પરિચય હતો પરંતુ ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ જગતને આજે છે એટલું અંતર તેમની વચ્ચે પણ 1985ની આસપાસ સ્વાભાવિક ક્રમમાં હતું.

એ સમયે 1987 પછી ગુજરાતમાં દુકાળની સ્થિતિ પ્રવર્તતી હતી. 1988માં એ સ્થિતિ વધુ વિકટ બની જેમાં લોકો સામુહિક સ્થળાંતર કરી જાય કે ઘાસચારાના અભાવે ઢોર-ઢાંખરને મરવાના વાંકે છોડી જાય એ સામાન્ય થઈ પડ્યું હતું. ગુજરાત સરકાર કાગળ પર દુકાળ જાહેર કરે તો ‘ફેમિન કોડ’ લાગુ પડે અને કેન્દ્ર સરકારે રાહત રૂપે અઢળક નાણા ગુજરાત સરકારને ફાળવવા પડે. સરકારો અને સત્તાધીશોની સાથે અધિકારીઓ આજે છે એવા જ તે વખતે પણ હતા. સરકારે સરકારને સલાહ આપી કે તમારે કોઈ પણ સંજોગોમાં કાગળ પર દુકાળ બતાવવાનો નહીં. અહીં તમે આ વાક્યને એ રીતે પણ વાંચી શકો કે વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીની સરકારને આ સલાહ આપી.


 

 

 

 

આ સલાહ મેળવ્યા પછી ગુજરાત સરકારથી હાથ જોડીને તો બેસી રહેવાય એમ નહોતું. એટલે એ સમયે ભિલોડા બેઠકથી સાતમી ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવેલા અભિનેતા અને હવે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય બનેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ આ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવાની દિશામાં આગળ વધ્યા. દુકાળની વિષમતા રજૂ કરતી પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી એ જ નામે ફિલ્મ નિર્માણ કરી ચૂક્યા હતા. એટલે દુકાળની પરિસ્થિતિ અને આવી પડનારી આપદામાંથી રસ્તો કેમ કાઢવો એ તેઓ વધારે સારી રીતે જાણી-સમજી ચૂક્યા હતા.

કેન્દ્ર સરકાર તરફથી કોઈ નાણાકીય મદદ મળવાની નથી એ નક્કી થઈ ગયા પછી ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંબઈ રહેતા સંગીતકાર કલ્યાણજીભાઈનો સંપર્ક કર્યો અને ગુજરાતને – ગુજરાતની જનતાને સહાયરૂપ બનવા વિનંતી કરી. કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ એ સમયે હિન્દી ફિલ્મ જગતના ટોચના કલાકારો તેમજ ગાયકો સાથે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવા માટે જાણીતા હતા. એ સફળ શૉ હતો જે આયોજક સંસ્થાને રૂપિયા રળી આપતો હતો. ક્યારેક ચેરીટી શૉ પણ થતા. ગુજરાત માટે કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢી ત્યારે તેમણે ઉપેન્દ્રભાઈનો એમાં સમાવેશ કર્યો પણ એ સમયે ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મી ઓળખ પર રાજકીય ઓળખ સવાર થઈ ગઈ હતી. કલ્યાણજીભાઈએ ગુજરાતના દર્શકો – લોકો વચ્ચે જાણીતા હોય તેવા ચહેરાને કાર્યક્રમનો હિસ્સો બનાવવા કહ્યું. તેમનું દ્રઢપણે માનવું હતું કે ગુજરાત સરકાર દ્વારા પ્રયોજિત આ ચેરીટી શૉમાં હિન્દી ફિલ્મોના કલાકારો સરકારની શરમે હાજર રહેશે પણ જો ગુજરાતના ફિલ્મ જગતમાંથી કોઈ એ કાર્યક્રમમાં જોડાય તો સફળતાની તક અને મળનારી સંભવિત દાન-ફાળાની રકમ બન્ને વધી જાય. સંગીતકાર મહેશ કનોડિયા એ સમયે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ના ટિકિટ શૉથી મનોરંજન જગત પર છવાયેલા હતા અને નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા હતા. ઉપેન્દ્રભાઈએ તેમનો સંપર્ક કર્યો. હિન્દી ભાષામાં કહીએ તો ‘બાત બની’ અને એમ મહેશ – નરેશ સંગીતની સાથે-સાથે લોકસેવાના કામ તરફ વળ્યા.

કલ્યાણજીભાઈએ ગુરુમંત્ર આપતા હોય એમ બન્ને ભાઈઓને કહ્યું કે હિન્દી ફિલ્મોના કલાકારો અને મુંબઈના ગાયકો સાથે તો તેમની મર્યાદા ગુજરાતમાં બે – ચાર કાર્યક્રમો જ કરવાની છે. પરંતુ જો તમે બન્ને ભાઈઓ આ કામ ઉપાડી લો તો ઉત્તમ પરિણામ મળે. કનોડિયા બંધુઓ કલ્યાણજી વીરજીભાઈ શાહની આ સલાહ માની ગયા. એ પછી ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’એ ગુજરાતના નાના-નાના ગામ, નગરોમાં જઈ તેમની મ્યુઝિકલ પાર્ટીના શૉ કર્યા. જ્યાં ઑડિટોરીયમની વ્યવસ્થા નહોતી એવા સ્થળોએ પણ ટાંચા સાધનો સાથે શૉ આયોજિત થયા. સ્થાનિક સેવા સંસ્થાઓની મદદથી તેમણે સો ઉપરાંત કાર્યક્રમો કર્યા અને ટિકિટ ઉપરાંત દાન સ્વરૂપે જે લોકફાળો થયો એમાં પોતાના તરફથી રકમ ઉમેરીને ગુજરાત સરકારને અથવા તો રાહત કાર્યોમાં જોડાયેલી સંસ્થાઓને મદદ કરી. પશુધન બચાવી લેવા પાંજરાપોળોને સહાય કરવામાં આવી.


 

 

 

 

આમ મનોરંજનની સાથે-સાથે લોકસેવાના કામ તરફ વળેલા કનોડિયા ભાઈઓને જુદા અર્થમાં લોકસેવક થવાની પણ તક મળી. 1991માં દસમી લોકસભા માટે ભારતીય જનતા પક્ષે મહેશ કનોડિયાને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા અને વિજેતા થયા. મુંબઈમાં રહેતા હતા અને અગાઉ કોઈ રાજકીય પક્ષના સભ્ય કે રાજકારણમાં સક્રિય પણ નહોતા છતાં જીતી શક્યા. ગાયક તરીકેની લોકપ્રિયતા હતી અને પ્રચારમાં નાના ભાઈ નરેશ કનોડિયાનો સાથ હતો એટલે ચૂંટણી સભાના મંચ પરથી પ્રચાર કરવાની જરૂર નહોતી પડતી. મતદારોની ફરમાઇશ પર એકાદ ગીત કે મિમિક્રી આઇટમ રજૂ કરે ત્યાં જ તેમનો પ્રચાર પુરો થઈ જતો હતો. આગળ જણાવ્યું છે તેમ વિકટ સમયમાં ગુજરાતને, પોતાના વતન એવા પાટણ જિલ્લાને અને એના કનોડા ગામને મદદરૂપ થયા હતા એનો આ પ્રતિભાવ હતો.

મહેશ કનોડિયા એમ દસમી-અગિયારમી-બારમી અને ચૌદમી લોકસભામાં એમ ચાર મુદત માટે વિજેતા થયા અને ચૌદ વર્ષ સંસદસભ્ય પદે રહ્યા. તેરમી લોકસભામાં તેમની સામે કૉંગ્રેસના અને સરખામણીએ વધુ ભણેલા એવા પ્રવીણ રાષ્ટ્રપાલ ઉમેદવાર હતા. તમારે ‘ગાયક જોઇએ છે કે લાયક?’ એવા ઉમેદવારના સંદર્ભમાં પૂછાયેલા જવાબમાં મહેશ કનોડિયા પરાજિત થયા અને ફરી પાછા એક મુદત માટે ચૂંટાઈ પણ આવ્યા. 2004 થી 2009 વચ્ચે છેલ્લી મુદતના સંસદસભ્ય હતા ત્યારે ભારતીય જનતા પક્ષે જુલાઈ 2008માં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની સરકાર વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. સરકારની વિરૂધ્ધમાં જાય તેવો એક-એક મત ભાજપ માટે મહત્વનો હતો એ સમયે મહેશ કનોડિયા મુંબઈની હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરાવીને સાજા થઈ રહ્યા હતા. તેમનો મત મુંબઈ હોસ્પિટલના બિછાનેથી અપાય અને માન્ય ઠરે એવી વિનંતી લોકસભા સ્પીકર તેમજ સચિવાલયે માન્ય ન રાખી ત્યારે સંસદસભ્ય મહેશ કનોડિયાને મતદાન માટે એર એમ્બ્યુલન્સ – ચાર્ટર્ડ પ્લેન દ્વારા ડૉક્ટરોની હાજરીમાં મુંબઈથી નવી દિલ્લી લાવીને સંસદભવનના પ્રાંગણમાં હાજર રખાયા હતા, મતદાન કરાવાયું હતું. એ પછી તેઓ નબળી તબિયતને લઈ સક્રિય રાજકારણથી દૂર થયા અને ગાંધીનગરમાં સ્થાઈ થયા. પરિવારમાં એક પરિણીત પુત્રી જેનું મહેશભાઈની હયાતીમાં જ અવસાન થયું હતું.

તેમના નાના ભાઈ નરેશ કનોડિયાને પણ લોકપ્રિયતાના આધારે ભારતીય જનતા પક્ષે વિધાનસભાની ટિકિટ આપી. જો કે પ્રથમ પ્રયત્ને તેઓ નિષ્ફળ ગયા અને 1995માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લેખે તેઓ પરાજિત થયા હતા. તેમની સામે વિજયી થનાર કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશ પરમાર વ્યવસાયી ડૉક્ટરહતા અને ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં આરોગ્ય વિભાગના રાજ્યમંત્રી રહી ચૂક્યા હતા. આ પરાજયના આઠ વર્ષ પછી નરેશ કનોડિયા ચૂંટણી ઉમેદવારી કરવા મધ્ય ગુજરાત પહોંચ્યા. અગિયારમી વિધાનસભા-2002માં કરજણ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા. એ પછી બારમી વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયા.

ગુજરાતના ફિલ્મ જગત સાથે નાતો ધરાવતા હતા એટલે નરેશ કનોડિયા એ ક્ષેત્રને પડતી કેટલીક મુશ્કેલીઓથી વાકેફ હતા. સાથી કલાકારો, ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકો તેમની સમક્ષ રજૂઆતો કરતા હતા. ગુજરાતના માનનીય ધારાસભ્ય હતા એટલે સરકારને રજૂઆત કરીને ગુજરાતી ફિલ્મોને ટેક્ષ ફ્રી ઉપરાંતની કેટલીક રાહતો, સવલતો અપાવી શક્યા હતા. કેટલાક નીતિવિષયક નિર્ણયો પણ લેવડાવી શક્યા હતા.


 

 

 

 

બન્ને ભાઈઓના બાળપણના સંઘર્ષ, કુટુંબની ગરીબાઈ અને સમાજના કચડાયેલા વર્ગના હોવું એ હવે જાણીતી વાત છે. એ ક્રમમાં જ તેઓ લોકસભાની પાટણ અને વિધાનસભાની કરજણ બેઠકનું પ્રતિનિધિત્વ લોકમતથી પામ્યા હતા. આ બાબતનો ઇન્કાર થઈ શકે તેમ નથી પરંતુ ફિલ્મ ક્ષેત્રના સાથી મિત્રોની જે કંઈ આપદા-વિપદા તેમના કાને પડી, રજૂઆત થઈ અને ઉકેલ મેળવી શક્યા બરાબર એ જ તરાહ પર તેઓ તેમના દલિત સમાજના ભાઈઓ –બહેનો – પરિવારોની સમસ્યાઓ પર પણ થોડું ઘણું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હોત તો તેમનું જાહેરજીવન લેખે લાગતું. આ સંદર્ભે તેમણે વ્યક્તિગત લાભ થાય એવી રીતે કોઇને મદદરૂપ થયા હોય તેના એક નહીં એકસો દાખલા હશે. પરંતુ આભડછેટ, માથે મેલું ઉપાડવાનો પ્રશ્ન, દલિત સમાજના લોકોનું ઉત્પીડન કે અનામતના પ્રશ્ને તેમની સામે થતો ખાનગી – જાહેર વ્યવહાર જેવા દેખીતા પ્રશ્નો પરત્વે બન્ને ભાઈઓનું વલણ કઇંક નહીં, ખાસું એવું ઉદાસીન રહ્યું હતું.

જરૂરી નથી કે કલાકાર હોય, પોતાના ક્ષેત્રમાં જાણીતા હોય કે નિષ્ણાત હોય તેમનો પ્રશ્નો – સમસ્યાઓ પરત્વે ચોક્ક્સ અભિગમ – વલણ હોવા જોઇએ અને તે વારે-તહેવારે પ્રકટ પણ થતા રહેવા જોઇએ. હા, આ બધા બાયોડેટાની સાથે-સાથે જો જે-તે વ્યક્તિ જાહેર સેવક હોય તો મારે – તમારે– આપણે એ અપેક્ષા રાખવી સહજ થઈ પડે છે. કનોડિયા બંધુઓ મહેશભાઈ અને નરેશભાઈ બન્ને એ અર્થમાં જાહેર સેવક હતા ત્યારે તેમનો આ દાખલો મેળવવા બહુ દૂર જવાની પણ જરૂર નથી. જુલાઈ 2016માં સૌરાષ્ટ્રના ઉના ગામે દલિત યુવકોની થયેલી મારપીટ અને ઉત્પીડનના પડઘા દેશભરમાં પડ્યા હતા પરંતુ મહેશ – નરેશ કનોડિયા તરફથી કોઈ પ્રતિભાવ મને, તમને, આપણને – દલિત બાંધવોને સાંપડ્યો હોય એવો જાહેર દાખલો મળતો નથી.

કિશોર વયે કાગળ વીણતા હતા કે દાતણની ચીરી ઉપાડી પરિવાર તેનો બળતણમાં ઉપયોગ કરતો હતો એવા સંઘર્ષમય દિવસો જોનાર, એ ઘટનાને શબ્દદેહ આપનારકનોડિયા ભાઈઓ ઉનામાં તેમના જ બાંધવોમૃત પશુનું ચામડું ઉતારવા બદલ ચામડી ઉતરી જાય એવો માર-અત્યાચાર પામે ત્યારે શબ્દ પ્રતિભાવ ન આપે, રાજકીય કારણોસર ન આપી શકે ત્યારે એ સંજોગોનું પણ સામાજિક મૂલ્યાંકન થવું ઘટે.

ખેર – અલવિદા મહેશ-નરેશ. કોરોનાકાળના આ સમયમાં નવરાત્રીના જાહેર ઉજવણી વિનાના દિવસોમાં આપ બન્નેએ પ્રસંગ વીત્યે વિદાય લીધી છે એટલે આ વર્ષે પહેલા શરદપૂનમની રાત્રિએ અને પછી આવતા વર્ષે નવરાત્રીની પહેલી રાત્રિએ તમે અચૂક યાદ આવશો. તમે સ્ટેજ પરથી ગાતા હતા એ જ હિન્દી ફિલ્મી ગીતના શબ્દોમાં કહેવાનું કે ‘વાદા રહા’.