મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લીજીલ્લામાં મહાશિવરાત્રીનો પર્વમાં ૧૧૭ વર્ષ પછી ખાસ યોગ હોવાથી શિવરાત્રી પર્વનો ભક્તોમાં બેવડો ઉત્સાહ વર્તાયો હતો શિવભક્તિમાં ભક્તો લીન બન્યા હતા જીલ્લાના તમામ શિવાલયોમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી જીલ્લાના શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવજીને રીઝવવા માટે શિવાલયોમાં બિલ્વપત્ર,દૂધ,ગંગાજળ,મધ અને પંચામૃત થી શિવલિંગ ઉપર અભિષેક થી વિશેષ પૂજામાં શિવભક્તો ભક્તિભાવ થી જોડાયા હતા મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ મંદિરમાં ઘી માંથી બનાવેલ શંકરજી ની પ્રતિમાએ લોકોમાં અનેરું આકર્ષણ પેદા કર્યું હતું માલપુરના ભવનાથ મંદિરે, મોડાસાના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર અને સાકરીયા ગામમાં સાંકળેશ્વર મહાદેવ મંદિરે થી ભજન કીર્તન સાથે પાલખી માં બિરાજમાન શિવજીની શોભાયાત્રા નગરમાં ફેરવવામાં આવી હતી ભિલોડામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણીમાં ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ૧૨ જ્યોતિલિંગ પ્રતિકૃતિના દિવ્યદર્શન ખુલ્લા મુકાયા હતા.

વૈરાગ્ય મૂર્તિ છતાં પણ સદાપ્રસન્ન-આનંદ મગ્ન ભભૂતિ, રુદ્રાક્ષ અને ભુજંગનો શણગાર, જટાધારી,  મસાણમાં વાસ, ધ્યાનસ્થ હોય ત્યારે મહાયોગી અને નૃત્ય કરે ત્યારે નટરાજ માયા થી પર પણ કુબેરને ભંડારના દેવોના દેવ અને ભક્તોના તારણહાર ભોલેનાથ શિવનો પૃથ્વી પરનો પ્રાગટ્ય દિવસ મહા માસની ૧૩ મી તિથિ એટલે મહાશિવરાત્રી પર્વમાં જાણે જીલ્લાના શિવાલયો કૈલાશ બન્યા હોય તેવો આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો જીલ્લાના તમામ શિવાલયો અને દેવાલયો શંખ,ડમરુ અને હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા હતા મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ, ઉમેદપુરના સ્વયંભૂ ખંડુજી મહાદેવ અને શામપુરના કુંઢેરા મહાદેવ ખાતે ભરાતા પરંપરાગત મેળામાં માનવમહેરામણ ઉમટ્યું હતું.

મોડાસા શહેરના માઝુમ નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરથી મોડાસા ચૌર્યાસી બ્રાહ્મણ સમાજ એકલિંગીજી મિત્ર મંડળ દ્વારા બપોરે ત્રણ કલાકે ભવ્યાતિભવ્ય ભોળાનાથજી પાલખીની શોભાયાત્રામાં ભગવાન શિવ શહેરમાં ભક્તોને દર્શન આપવા નીકળતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી માલપુર,સાકરીયા,લીંભોઇ નગરમાં ભગવાન શિવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી કેટલાક સ્થળોએ શિવપુરાણ કથા પણ યોજાઈ હતી રાત્રી દરમિયાન ભજન-કીર્તન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.