પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.મુંબઈ): એન્ટિલિયા કેસ માં તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જે પુરાવા હાથ લાગી રહ્યા છે તેના કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે રાજકીય સંકટ ઊભું થાય તેવા એંધાણ મળી રહ્યા છે. સચિન વાઝેના મુદ્દે અઘાડી સરકારમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે. શિવસેના અને એનસીપી એ એક બીજા સામે બ્યૂગલ ફૂંકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સચિન વાઝેનું પદ્દ મુંબઈ પોલીસમાં ખુબ નાનું છે છત્તા એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘરનું નામ)ની બહાર સ્ફોટક પદાર્થ વાળી સ્કોર્પીઓ મામલે વાઝેની ધરપકડ થયા બાદ વાઝેએ તમામ પત્તા એનઆઈએ સામે ખુલ્લા કરી દીધા હોવાની જાણકારી મળી રહી છે. દરમિયાનમાં મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે વાઝે અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના સંબંધો અને દેશમુખ દ્વારા કરવામાં આવતી 100 કરોડ રૂપિયાની માગણીનો ઘટસ્ફોટ કરતાં ઉદ્ધવ સરકારના ભાગીદાર એનસીપી કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.


 

 

 

 

 

શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે તો સામનામાં અનિલ દેશમુખને આડે હાથે લેતા અનિલ દેશમુખને સવાલ પુછી નાખ્યો છે કે સચિન વાઝે નામનો એક નાનકડો પોલીસ અધિકારી આટલી મોટી ઘટનાને અંજામ આપી રહ્યો હતો છત્તા તમારા ધ્યાનમાં આ બાબત કેમ ન આવી. આમ શિવસેના સમગ્ર મામલે પોતાનો હાથ પાછો ખેંચી રહી છે.

દરમિયાનમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અચાનક અમદાવાદની મુલાકાતે આવે અને તેમણે ગૌતમ અદાણી સાથે બેઠક કરી તે આ ઘટનાને લઈને સૂચક માનવામાં આવી રહ્યું છે. જોકે એનસીપીના સૂત્રો આ બેઠકને પૂર્વયોજીત બેઠક કહી રહ્યા છે, પરંતુ શિવસેના અને ભાજપ સરકારના જે પ્રકારના સંબંધો છે તેને ધ્યાનમાં લેતા ભાજપના નેતાઓ મહારાષ્ટ્રની અઘાડી સરકારની આ સ્થિતિમાં બક્ષે તેવું માનવાને કોઈ કારણ નથી. જો પોતાને બચાવવા એનસીપી શિવસેનાનો હાથ છોડે તો અઘાડી સરકાર પડી ભાંગે, બીજી તરફ ભાજપ અને એનસીપી હાથ મીલાવે તો દેવેન્દ્ર ફડણવીસ ફરી સત્તાનું સુકાન પણ સંભાળી શકે છે. અન્ય એક વિકલ્પ પણ ઊભો છે કે એનઆઈએને હાથે લાગેલા ઠોંસ પુલાવાના આધારે મહારાષ્ટ્રના રાજ્યપાલ રાષ્ટ્રપતિને મહારાષ્ટ્ર સરકારને બરખાસ્ત કરવાની ભલામણ પણ કરી શકે છે.