મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શનિવારે સવારે રાજકીય ઉથલપાથલને મામલે સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થઈ છે. એનસીપી-શિવસેના અને કોંગ્રેસના ગઠબંધન તરફથી રજુ થયેલા વકીલ કપિલ સિબ્બલે અદાલતને કહ્યું કે જો ભાજપ પાસે બહુમત છે તો આજે જ બહુમત પરીક્ષણ કરાવે. ત્યાં બીજી તરફ વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે જ્યારે અમે સાંજે સાત વાગ્યે સરકાર બનાવવાની જાહેરાત કરી હતી તો રાજ્યપાલે રાહ કેમ ન જોઈ. ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની દલીલોને સાંભળ્યા પછી અદાલતે તમામ પક્ષોને નોટિસ આપી છે. હવે આ મામલે સોમવારે સવારે સાડા દસ વાગ્યે સુનાવણી થશે.

સુપ્રીમ ન્યાયાલયએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ અપાવવા મામલે મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્ણયને પડકારતી શિવસેના-એનસીપી-કોંગ્રેસની અરજી પર કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ આપી છે. ન્યાયાધીશ એન વી રમન, અશોક ભૂષણ અને સંજીવ ખન્નાની પીઠે ફડણવીશ અને ડે. સીએમ અજિત પવારને પણ નોટિસ આપી છે. પીઠના આદેશ આપવા માટે સોલિસિટર જનરલ સાથે સોમવારે સવારે સાડા દસ વાગ્યે રાજ્યપાલના પત્ર રજુ કરવાનું કહ્યું છે.

ત્રણેય દળોએ એવું પણ કહ્યું કે આ લોકતંત્ર સાથે દગો અને તેની હત્યા જ છે જ્યારે એનસીપીના 41 ધારાસભ્યો ભાજપના સાથે નથી, તે છતાં પણ સરકાર બનાવવાની મંજુરી આપી દેવામાં આવી.
સુપ્રીમની પીઠના સમક્ષ ગઠબંધન તરફથી રજુ થયેલા કપિલ સિબ્બલે કહ્યું કે જો ફડણવીસ પાસે સંખ્યાબળ છે તો તેમને સદનના પટલ પર આ સાબિત કરવા દો. નહીં તો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અમારી પાસે સંખ્યા બળ છે. વરિષ્ઠ વકિલ સિંધવીએ શિવસેના-એનસીપી-કોંગ્રેસ તરફથી રજુ થતા કહ્યું કે શરદ પવાર સાથે એનસીપીના 41 ધારાસભ્યો છે.

સિંધવિએ પીઠને કહ્યું કે, કુલ ધારાસભ્યોની સંખ્યા 54 છે અને 41 ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલને લખ્યું છે કે તે અજિત પવારને ધારાસભ્ય દળના નેતા પદથી હટાવી દિધા છે. સિબ્બલે કહ્યું કે રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા માટે 30 નવેમ્બર સુધીનો જો સમય આપ્યો છે, તો તેનો મતલબ કાંઈક બીજો છે. હવે સોમવારે સુપ્રીમ કોર્ટમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.