ગઢચિરૌલી: મહારાષ્ટ્રના નક્સલપ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં આજે થયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 સુરક્ષા જવાન શહીદ થયા છે. આ હુમલામાં ખાનગી બસના ડ્રાયવરનું પણ મોત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે તથા કહ્યું છે કે હુમલાના કાવતરાખોરોને છોડવામાં નહીં આવે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલા બાદ ડીજીપી અને ગઢચિરૌલીના એસપીના સંપર્કમાં છે અને કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કુરખેડા તાલુકાના દાદાપુર ગામમાં નક્સલીઓ 36 વાહનોને આગ ચાંપી હતી અને ત્યાર બાદ આ ઘટનાને પગલે ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો ઘટનાસ્થળે રવાના થયા હતા. આ કમાંડો નક્સલીઓનો પીછો કરતા જંબુખેડા ગામના એક પુલ પર પહોંચ્યા હતા જ્યાં નક્સલીઓએ વિસ્ફોટ કર્યો હતો.

માનવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં લોકસભા ચૂંટણીઓમાં થઇ રહેલા ભારે મતદાનને પગલે નક્સલીઓ નારાજ છે. બીજી તરફ આજે મહારાષ્ટ્રના સ્થાપના દિવસની પણ ઉજવણી થઇ રહી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શોક સંદેશમાં જણાવ્યુ છે કે બધા બહાદુર જવાનોને સલામ કરુ છું. તેમનું બલીદાન ક્યારેય નહીં ભુલાય. મારી સાંત્વના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. કાવતરાખોરોને નહીં છોડીએ.