મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલમાં રાજકીય દંગલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ભાજપને આવતીકાલે 5 વાગ્યા પહેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો છે. ત્યાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી અજિત પવારની ઘર વાપસી માટે પ્રયત્નો તેજ થઈ ગયા છે. આ દરમિયાનમાં હાલમાં જ સાંભળવામાં આવ્યું છે કે હમણાં અજિત પવારે ઉપ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. બીજી તરફ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પત્રકાર પરિષદ કરવાના છે, ચર્ચાઈ રહ્યું છે કે તેઓ આ દરમિયાન રાજીનામાની જાહેરાત કરી શકે છે. સંજય રાઉતે પણ કહ્યું કે અજિત પવારે રાજીનામું આપી દીધું છે અને તે અમારી સાથે છે. તેમનું આ નિવેદન પણ સુચક છે. બીજી તરફ ઈડી અને સીબીઆઈની કામગીરીને લઈને પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

આ ઉપરાંત સાંજે પાંચ વાગ્યાના અરસામાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસની સંયુક્ત બેઠક થવાની છે જેમાં ફ્લોર ટેસ્ટ પહેલા ગઠબંધનના નેતાની ચૂંટણી થશે. હાલ બાલા સાહેબ થોરાટને કોંગ્રેસના વિધાનસભા દળના નેતા નક્કી કરાયા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ દેવેન્દ્ર ફડણવીસ સાથેની એક બેઠકમાં અજિત પવારે ગુલ્લી મારી હતી તો બીજી બાજુ આજે સવારે મુંબઈ એટેકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં પણ તે જોવા મળ્યા નહીં. એનસીપી તરફથી અજિત પવારને મનાવવાના સંપુર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.