મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી મુક્યો છે. મદ્રાસ હાઈકોર્ટે સોમવારે સંક્રમણના ફેલાવા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવતા જોરદાર ફિટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે કોરોનાની બીજી લહેર માટે કોઈ એકને જવાબદાર ઠેરવવાના હોય, તો ફક્ત ચૂંટણી પંચ જ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે એ જાણતા હોવા છત્તા કે કોરોના સંક્રમણ હજુ છે તેમ છત્તા ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ નહીં લગાવ્યો. તેના માટે ચૂંટણી અધિકારીઓ ઉપર હત્યાનો કેસ ચાલવો જોઈએ. સાથે જ પંચને કહ્યું કે 2 મેની તૈયારીઓ પહેલાથી કહી દે નહીં તો મત ગણતરી ઉપર સ્ટે મુકી દેવાશે.

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એસ બેનર્જીએ સુનાવણી દરમિયાન કહ્યું કે ચૂંટણી પંચ જ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે. હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ ચલાવવો જોઈએ. હાઈકોર્ટે ચૂંટણી પંચને ચેતાવણી આપી કે 2 મેએ કોવીડ સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ અને તેના સાથે જોડાયેલા બ્લૂ પ્રિન્ટ્સ તૈયાર કરીને આપવામાં આવ્યા નહીં, તો મતગણતરી પર સ્ટે મુકી દેવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યા છે કે તે સ્વાસ્થ્ય સચિવની સાથે મળીને 2 મે એ થનારી મતગણતરી માટે પ્લાન તૈયાર કરો. હાઈકોર્ટે 30 એપ્રીલ સુધી પ્લાન બનાવી આપવા માટે કહ્યું છે.

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સ્વાસ્થ્યનો મામલો ઘણો મહત્વનો છે, પરંતુ ચિંતાની વાત એ છે કે કોર્ટને એ યાદ અપાવવું પડે છે. આ વખતે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જીવતા રહેવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને ચૂંટણી પંચે છત્તાં પણ ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ ન લગાવ્યો.