બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવવાદ): ગુજરાતના મુખ્યમંત્રી અને સક્રિય રાજકારણમાં હતા ત્યારે રાજકારણની અનિશ્ચિતતાઓને કારણે So Lucky ગણાતા માધવસિંહ ફૂલસિંહ સોલંકીનું શનિવાર 9 જાન્યુઆરી 2021ના રોજ 94 વર્ષની વયે ગાંધીનગરમાં તેમના ઘરમાં અવસાન થયું. જન્મ તારીખ 29 જુલાઈ 1927 – ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે. તેમની અંતિમક્રિયા રવિવાર 10 જાન્યુઆરી 2021ના રોજ અમદાવાદના વી.એસ. સ્મશાનગૃહમાં સંપન્ન થઈ.

મુંબઈ રાજ્યની બીજી વિધાનસભા જેમાંથી 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ એમાં 1957માં તેઓ સૌ પ્રથમ વાર બોરસદ દક્ષિણ બેઠક પરથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. અગાઉ મુલાકાતી પ્રાધ્યાપક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રકાશન અધિકારી અને ગુજરાત સમાચાર દૈનિકમાં પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા તેઓ આ સમયે વકીલાત કરતા હતા. વકીલાતના વ્યવસાયમાં જ ઠરીઠામ થઈ કુટુંબને મદદરૂપ થવા માગતા હતા. કુટુંબની આર્થિક પરિસ્થિતિ જ એવી હતી કે પલાંઠી વાળીને કામ કરવું પડે અને કરતા પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિકના સાથી હતા છતાં રાજકારણમાં મુદ્દલે પ્રવેશવા માગતા નહોતા. બાબુભાઈ જશભાઈ પટેલે તેમના સસરા ઇશ્વરસિંહ ચાવડા પાસે આગ્રહ રાખ્યો અને એમ તેઓ રાજકારણમાં દાખલ થયા.

બાબુભાઈ જશભાઈ પટેલ આ સમયે મુંબઈ રાજ્યની પહેલી વિધાનસભા-1952માં નડિઆદ દક્ષિણ બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. ખેડા જિલ્લાના રાજકારણમાં પ્રભાવી હતા. ઇશ્વરસિંહ ચાવડા તેમના જમાઈ રાજકારણમાં પ્રવેશે કે નહીં તેનો સમયસર જવાબ આપી શક્યા નહીં અને એમ માધવસિંહ સોલંકી 1957માં બોરસદથી પહેલી ચૂંટણી જીત્યા. તેમના નામની ભલામણ કરનાર બાબુભાઈ જશભાઈ પટેલ 1957ની મુંબઈ રાજ્ય બીજી વિધાનસભા ચૂંટણીમાં નડિઆદ દક્ષિણ બેઠક પરથી પરાજિત થયા. આવું થતું હોય છે, આજે પણ થાય છે અને માધવસિંહ સોલંકીના રાજકીય જીવનમાં આવું ઘણું બધું થવાનું આ સમયે બાકી હતું.


 

 

 

 

 

1962ની બીજી વિધાનસભાથી 1985–1990ની સાતમી વિધાનસભા સુધી ખેડા જિલ્લાની ભાદરણ બેઠક પરથી સતત કૉંગ્રેસ પક્ષમાંથી વિજેતા થતા રહ્યા. ચોથી વારના મુખ્યમંત્રી હતા ત્યારે આઠમી વિધાનસભા-1990માં બોરસદ બેઠકથી આઠમી વાર વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા પરંતુ કૉંગ્રેસ પક્ષને ચૂંટણીમાં નિષ્ફળતા મળી હતી. મુખ્યમંત્રી પદ ચાલુ રહી શકે તેમ નહોતું એ સંજોગોમાં તેમણે 1988થી ચાલી આવતા પહેલી મુદતના રાજ્યસભા સંસદસભ્ય પદને જ જાળવી રાખ્યું અને આઠમી વખતના ધારાસભ્ય પદે શપથ લીધા નહીં. 1994માં બીજી વાર રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. વડાપ્રધાન રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં આયોજન અને કાર્યક્રમ અમલીકરણના રાજ્યકક્ષાના મંત્રી હતા તો પી.વી. નરસિમ્હારાવના પ્રધાનમંડળમાં વિદેશ મંત્રી જેવા મોભાદાર હોદ્દા પર હતા.

વિદેશ મંત્રી થયા એ અગાઉ માધવસિંહ સોલંકી ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી થયા હતા. 1976માં સાડા ત્રણ મહિના માટે, 1980માં પુરા પાંચ વર્ષ માટે, 1985માં ચાર મહીના માટે અને છેલ્લે 1989માં માત્ર પોણા ત્રણ મહીના માટે મુખ્યમંત્રી થયા હતા. પહેલી વાર મુખ્યમંત્રી થયા તે અગાઉ માધવસિંહભાઈ પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના બીજા કાર્યકાળ અને બીજા મંત્રીમંડળમાં મહેસૂલ અને વસવાટ નિયંત્રણ વિભાગના નાયબ મંત્રી રહી ચૂક્યા હતા. બળવંતરાય મહેતાના મંત્રીમંડળમાં આ વિભાગો ઉપરાંત કૃષિ, વન, મ્યુનિસિપાલિટી, જંગલો અને ગૃહ વિભાગના નાયબ મંત્રી હતા. હિતેન્દ્રભાઈ દેસાઈના મંત્રીમંડળમાં 1965 થી 1967 મહેસૂલ વિભાગના નાયબ મંત્રી હતા પરંતુ 1967 થી 1971ના સમયગાળામાં સમાવેશ પામ્યા નહોતા. એ રીતે ઘનશ્યામભાઈ ઓઝાએ 1972માં પ્રારંભે મંત્રીમંડળમાં નહોતા સમાવ્યા પરંતુ 1973ના પ્રારંભે મહેસૂલ મંત્રી લેખે કેબિનેટ સ્તરે બઢતી આપી હતી. આ હોદ્દા પર છ મહીના જ રહ્યા અને ઘનશ્યામભાઈ ઓઝાની સરકારે રાજીનામું આપ્યું હતું. 1973માં ચીમનભાઈ પટેલની સરકારમાં નહીં સમાવાયેલા માધવસિંહ સોલંકી એ પછી ચાર વાર મુખ્યમંત્રી થયા અને છેલ્લીવાર માર્ચ 1990માં પદ છોડ્યું ત્યારે ચીમનભાઈ પટેલ જ જનતા દળની સરકારના આગેવાન લેખે તેમના અનુગામી મુખ્યમંત્રી થયા. એ અર્થમાં માધવસિંહ સોલંકીને કૉંગ્રેસ પક્ષના છેલ્લા મુખ્યમંત્રી તરીકે ઓળખાવી શકાશે. આજકાલ કરતા ત્રીસ વર્ષ થયા પરંતુ કૉંગ્રેસ એ પછી ગુજરાતમાં સત્તા મેળવી શકી નથી.

માધવસિંહ સોલંકી પાંચમી ગુજરાત વિધાનસભાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 1975 થી 1980 વચ્ચે બે વાર વિધાનસભા વિરોધપક્ષના નેતા થયા હતા. 1974 – 1975 અને 1978 – 1980 દરમિયાન એમ બે વાર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સમય જતાં તેમના પુત્ર ભરતસિંહ સોલંકી 2006માં અને 2015માં એમ બે વાર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ થયા હતા. પિતા – પુત્ર બન્ને ધારાસભ્ય, સંસદસભ્ય, કેન્દ્રિય મંત્રી ઉપરાંત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ થયા હોય તેવો ગુજરાત ખાતેનો આ એકમેવ દાખલો છે. કદાચ એટલા માટે જ માધવસિંહ સોલંકીના રાજકારણને ઐતિહાસિક સિવાયના અર્થમાં બીજા ‘સોલંકી યુગ’ તરીકે ઓળખાવાતો હતો.


 

 

 

 

 

ગુજરાતના રાજકારણથી દૂર થયા હોવાનું જેમના માટે મનાતું હતું એ માધવસિંહભાઈ નવમી લોકસભાની ચૂંટણી પછી કૉંગ્રેસે સત્તા અને તેમણે પોતે રાજીવ ગાંધીની સરકારનું આયોજન રાજ્યમંત્રી પદ ગુમાવતા ગુજરાતના રાજકારણમાં પાછા ફર્યા. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવાયેલા અમરસિંહ ચૌધરીના રાજીનામા પછી ચોથી વાર ત્રણ મહીના માટે મુખ્યમંત્રી થયા. રાજ્યસભાનું પદ ચાલુ જ રાખ્યું હતું. મુખ્યમંત્રી લેખે તેઓ આઠમી ગુજરાત વિધાનસભામાં બોરસદ બેઠકથી વિજેતા થયા પરંતુ માત્ર તેત્રીસ બેઠકો મેળવી શકેલી કૉંગ્રેસ સત્તા મેળવી શકે એમ નહોતી એટલે માધવસિંહ પાછા નવી દિલ્લી ગયા. વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારમાં 1991માં વિદેશ મંત્રી થયા. જો કે 1992માં સ્વિત્ઝરલેન્ડના દાવોસની મુલાકાત સમયે તેમણે તેમના સમકક્ષ સ્વીડીશ વિદેશ મંત્રી રેને ફેલ્બરને બોફોર્સ તોપના સોદા સંદર્ભે ચાલી રહેલી સ્વીડીશ સરકારની તપાસને હળવી કરી ભારતની તત્કાલીન કૉંગ્રેસ સરકારની તરફેણમાં મદદ કરવાની વિનંતી કરી હતી. આ વિનંતી એક ચીઠ્ઠી-ચબરખીના રૂપમાં કરી હોઈ વિવાદ થયો. વિવાદને પગલે માધવસિંહ સોલંકીએ વિદેશ મંત્રી પદેથી એક વર્ષ જેવા ટૂંકા ગાળામાં જ રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી માધવસિંહ સોલંકી 1994માં રાજ્યસભાની બીજી મુદત મેળવી શક્યા પરંતુ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં કોઈ પદ મેળવી શક્યા નહોતા. વર્ષ 2000માં રાજ્યસભાની બીજી મુદત પુરી થઈ પછી સક્રિય રાજકારણથી દૂર થયા. સરકારી સવલતોથી પણ દૂર રહીને ગાંધીનગર ખાતે પોતાની માલિકીના બંગલામાં રહ્યા. વર્ષો બાદ તેમના કહેવા પ્રમાણે એ વ્યવહાર ચીઠ્ઠી – ચબરખીનો હતો એટલે જ રાજીનામું આપવું પડ્યું હતું, સત્તાવાર પત્ર હોત તો નરસિંહરાવ સરકારે રાજીનામું આપવું પડત.

ગુજરાતી ફિલ્મોના અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના રાજકારણ પ્રવેશ માટેનું નિમિત્ત માધવસિંહ સોલંકી બન્યા હતા. 1984ની આઠમી લોકસભામાં સુનિલ દત્ત મુંબઈ-મહારાષ્ટ્રથી, વૈજયંતીમાલા બાલી મદ્રાસ-તામિલનાડુથી અને અમિતાભ બચ્ચન અલાહાબાદ-ઉત્તર પ્રદેશથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવારો તરીકે ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા. એ પછી બે જ મહિનામાં 1985ના પ્રારંભે સાતમી વિધાનસભાની ચૂંટણીઓ યોજાય ત્યારે અભિનેતાને નેતા બનાવવાનો સફળ થયેલો પ્રયોગ ગુજરાતમાં પણ અમલમાં મુકવાનો હતો. સાહિત્ય વાંચન અને લેખકો સાથે ઘરોબો ધરાવતા માધવસિંહ સોલંકી ફિલ્મો જોવાના પણ શોખીન હતા. એ નાતે ઉપેન્દ્ર ત્રિવેદીને આમંત્રણ આપી તેમનો રાજકારણ પ્રવેશ કરાવ્યો. ભિલોડા બેઠકથી ચૂંટાઇને કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય લેખે વિધાનસભામાં પ્રવેશેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સમય જતાં કૉંગ્રેસથી અલગ થઈ અપક્ષ ધારાસભ્ય થયા અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ જેવું મોભાદાર સ્થાન પામ્યા.

સાહિત્ય – કળા – ફિલ્મોના શોખીન હતા એટલે એ ક્રમમાં અવારનવાર તેમનું નામ પણ એમના જમાનાને અનુરૂપ અભિનેત્રીઓ સાથે સાચી-ખોટી રીતે જોડાતું હતું. આ સંદર્ભનો જવાબ જ્યારે મેં તેમને પુછ્યો ત્યારે એમની સ્પષ્ટતા આ પ્રમાણે હતી. “ગુજરાતી પત્રકારત્વમાં લખાતું હતું એવું કોઈ લફરું મારે હતું નહીં. એવા કોઈ સંબંધમાં આગળ વધું તો જેમના માર્ગદર્શનમાં હું રાજકીય ઉછેર પામ્યો એવા મારા સસરા ઇશ્વરસિંહ ચાવડા રાજકારણ અને સમાજકારણમાં એટલા તો શક્તિશાળી હતા કે મને મુખ્યમંત્રીના બંગલામાંથી પણ બહાર તગેડી શકે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે મારા લફરાંની કલ્પિત વાતો લખતા પત્રકારો મારા અનુગામી અમરસિંહ ચૌધરીના લગ્નેતર સંબંધો એમણે પોતે તે લગ્ન સ્વરૂપે જાહેર ન કર્યા ત્યાં સુધી તેનું પગેરું દબાવવામાં પણ નિષ્ફળ ગયા હતા.”


 

 

 

 

 

એક પ્રસંગ એમણે પોતે જ નોંધ્યો છે એ પ્રમાણે 1980માં બીજી વાર મુખ્યમંત્રી લેખે પસંદગી પામ્યા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલ શારદાબહેન મુખરજીને મળવા ગયા. શારદા મુખરજી લોકસભાના પૂર્વ સંસદસભ્ય, ભારતીય વાયુ દળના પૂર્વ અધિકારીના પત્ની, નેહરૂ પરિવારના દૂરના સંબંધી, ઇન્દિરા ગાંધીના બહેનપણી હોવાની ઓળખ સાથે રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. ગુજરાતના રાજ્યપાલ પદે નિમણુક પામ્યા ત્યારે એમના જીવનસાથી સુબ્રતો મુખરજી દિવંગત હતા. રાજ્યપાલને મળીને બહાર આવેલા માધવસિંહને સાથી મિત્રોએ પૂછ્યું કે, “રાજ્યપાલ સાથે મુલાકાત કેવી રહી ?” માધવસિંહ સોલંકીએ તેમના ઠસ્સાદાર વ્યક્તિત્વને એક જ લીટીમાં આ પ્રમાણે ઓળખાવ્યો – ‘ખંડહર બતા રહા થા કી ઇમારત કિતની મજબૂત હોગી’. (પ્રૌઢ વયે જાજરમાન લાગતા તેઓ યુવાન વયે કેવા સુંદર હશે એ અર્થમા.)

રાજકીય નિવૃત્તિ પછી અમદાવાદ કે ગાંધીનગરના ઘરમાં માધવસિંહભાઈનો સાથ નિભાવનાર બે લોકો હતા – પત્ની વિમળાબહેન અને પંદર હજાર પુસ્તકોની અંગત લાયબ્રેરી. વિમળાબહેન પછી અવસાન પામ્યા. વાંચનનો શોખ તો રાજકારણમાં પ્રવેશ્યા કે મુખ્યમંત્રી થયા એ પહેલાથી હતો. એકવીસમી સદીના જમાનાને અનુરૂપ નવેસરથી કમ્પ્યૂટર, ઇન્ટરનેટ શીખ્યા. લેપટોપ વાપરતા થયા. ઉંમર વધવા સાથે વાંચન ઓછું થયું હતું એટલે ખેડા જિલ્લાના માતર ગામમાં રહેતી દોહિત્રી પુર્વીને – વસુધાબહેનની દીકરીને સમગ્ર લાઇબ્રેરી ભેટ આપી દીધી. ત્રણ પુત્રો અશોકસિંહ, ભરતસિંહ અને અતુલ સોલંકી તેમજ બે પુત્રીઓ વસુધાબહેન અને અલકાબહેનનો પરિવાર હતો. પાંચ સંતાનોમાંથી માત્ર ભરતસિંહ સોલંકી ત્રણ મુદત માટે બોરસદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આણંદ લોકસભા બેઠકના બે મુદત માટે સંસદસભ્ય થયા. પિતાની જેમ ડૉ. મનમોહનસિંહના પ્રધાનમંડળમાં રેલવે રાજ્યમંત્રી પણ થયા. આમ પિતા – પુત્ર બન્ને વિધાનસભા અને સંસદમાં હોય તેમજ કેન્દ્રિય પ્રધાનમંડળનો હિસ્સો રહ્યા હોય એવો ગુજરાત ખાતેનો આ એકમાત્ર દાખલો છે. માધવસિંહ સોલંકીના સસરા ઇશ્વરસિંહ ચાવડા ખેડા જિલ્લાના રાજકીય આગેવાન હોવા ઉપરાંત પાંચ મુદત માટે આણંદ લોકસભા બેઠકના સંસદસભ્ય રહ્યા હતા.

જેમના અથાગ પ્રયત્નો અને લડાયક મિજાજ થકી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઇન્દુચાચાની મહિને પચીસ રૂપિયાની મની ઓર્ડર મદદથી કોલેજનો અભ્યાસ કરતા માધવસિંહ સોલંકી રામનારાયણ પાઠક અને એસ.આર. ભટ્ટ સરખા પ્રાધ્યાપકોના વિદ્યાર્થી હતા. બી.એ – એલ.એલ.બીની પદવી મેળવી હતી. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી હતા પરંતુ અંગ્રેજી – ગુજરાતી સાહિત્યના વાંચનનો શોખ પણ ધરાવતા હતા. એક કવિ સંમેલનમાં ઉમાશંકર જોશી અને ત્રિભુવનદાસ લુહાર ઉર્ફે કવિ સુંદરમ સાથે કાવ્ય પાઠ કરવા બેઠેલા માધવસિંહભાઈએ કવિ સુંદરમને માહિતી આપી કે તમારા કાવ્યસંગ્રહ ‘વસુધા’ પરથી મેં મોટી દીકરીનું નામ પસંદ કર્યું છે.

રાષ્ટ્રપતિ પદે રહેલા પ્રણબ મુખરજીએ ઑક્ટોબર 2016ની તેમની ગાંધીનગર-ગુજરાતની મુલાકાત સમયે તેમના જૂના મિત્ર માધવસિંહ સોલંકીને મળવાની ઇચ્છા પ્રકટ કરતા પ્રોટોકોલ બાજુ પર મુકીને તેમના ઘરે મળવા ગયા હતા. આ સમયે અખબારોમાં છેલ્લી વાર સમાચાર સ્થાન પામેલા માધવસિંહ સોલંકી નવમી જાન્યુઆરી 2021ના રોજ અંતિમ વિદાય લેવા સાથે છેલ્લી વાર સમાચારમાં સ્થાન પામ્યા.


 

 

 

 

 

તેમના અવસાન પછી પ્રસિધ્ધ થયેલા એક પણ સમાચાર-અહેવાલમાં માધવસિંહ સોલંકી ‘ગુજરાત સમાચાર’માં કામ કરતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 1992માં વિદેશ મંત્રી પદેથી રૂખસદ પામ્યા એ પછી માધવસિંહ સોલંકી નવી દિલ્લી કે ગાંધીનગરમાં સ્થાયી થવાને બદલે બદલે અમદાવાદની મધ્યમાં નવરંગપુરા – કોમર્સ કોલેજ છ રસ્તાના જંક્શન પર આવેલા તેમની અંગત માલિકીના અર્ચિતા ફ્લેટમાં જ રહેવા લાગ્યા હતા. 2000 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા પરંતુ બહુ ઓછા લોકોને મળવાનું પસંદ કરતા હતા. લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યા વતી હું તેમને પુસ્તકો આપવા જતો ત્યારે રાજકારણની બહુ અછડતી વાતો થતી હતી. એ વાતો કદાચ મારી એ સમયની પચીસ વર્ષની ઉંમર અને જાણકારીને અનુરૂપ હતી. રજનીકુમાર વતી હું એમના ઘરનો મહેમાન થતો એટલે આવકાર તો સારો મળતો પણ અનામત આંદોલન, રમખાણો, તેમના રાજકીય વિચારો વિશે ખુલીને વાત નહોતા કરતા. 1988માં આયોજન મંત્રી હતા ત્યારે લેખક ચંદ્રકાંત બક્ષીના એક સાથે પચીસ પુસ્તકોનું વિમોચન એમ.જે. લાયબ્રેરીમાં કરતા એમણે ‘ગુજરાતની નવી પેઢી હવે સાહસિક નથી રહી અને ગુજરાત બહાર જઇને કામ કરવા તૈયાર થતી નથી’ એવો અભિપ્રાય ઉચ્ચાર્યો હતો. આ અભિપ્રાય બેશક ઓગણીસો નેવું પહેલાના ગુજરાતી યુવાનો વિશે હતો પરંતુ આ અભિપ્રાય પર તેઓ કેવી રીતે આવ્યા એ પણ મારે તેમને પુછવાનું હતું.

આ સમયગાળા બાદ તેઓ ગાંધીનગર રહેવા જતા રહ્યા એટલે પુસ્તક આપ-લે નો ઉપક્રમ કુરીઅરને હવાલે થયો. તેમનો સંપર્ક નંબર પણ બહુ ઓછા લોકો પાસે રહેતો હતો. એક રીતે તેમણે એકલવાયા બની રહેવાનું પસંદ કર્યું હતું. અમદાવાદમાં બૅન્ક ઑફ બરોડાની આંબાવાડી શાખામાં અધિકારી તરીકે ફરજ બજાવતા તેમના દીકરી વસુધાબહેન પાસેથી તેમનો ફોન નંબર મળી રહેશે એવી માહિતી પરથી એક વાર બૅન્ક પર તેમને મળવા ગયો પરંતુ નંબર તો ન જ મળ્યો. બૅન્કમાં વસુધાબહેનને મળ્યો ત્યારે અમારી વાતચીત પરથી જ તેમની બાજુમાં બેસતા અધિકારીને અને બ્રાન્ચ મેનેજરને ખબર પડી કે તેઓ પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી છે.


 

 

 

 

 

2002 થી 2006 દરમિયાન ‘આરપાર’ સાપ્તાહિકમાં કામ કરતો ત્યારે એમનો ફોન સંપર્ક થયો પણ મુલાકાત માટે સમય મેળવવાનો પ્રયત્ન નિષ્ફળ જ ગયો. જો કે એ પછી ઑક્ટોબર 2012ના પ્રારંભે તેમને મળવાની તક અનાયાસ ઉભી થઈ. સ્વતંત્ર લેખક અને જીવનકથાઓના આલેખક બીરેન કોઠારીએ વડોદરાના પ્રાધ્યાપક રાવજીભાઈ પટેલ વિશે અને તેમનું વૈચારિક જગત દર્શાવતું પુસ્તક ‘ક્રાંતિકારી વિચારક’ નામે તૈયાર કર્યું. પુસ્તક પ્રકાશિત થયે તેની એક નકલ રાવજીભાઈ પટેલના મિત્ર લેખે માધવસિંહભાઈને આપવાની થતી હતી. બીરેને આ કામ મને સોંપ્યું. ફોન નંબર આપ્યો. ફોન પરની પહેલી જ વાતચીતમાં જૂના સંદર્ભ સાથે મિત્રો દ્વારા ‘રાવજી મોટા’ નામે સંબોધાતા હતા તેમનું પુસ્તક આપવા માટે મળવાની વાત કરી. તરત સંમત થઈ ગયા. પુસ્તક આપ્યું એ સમયે તેઓ લેપટોપ પર કામ કરતા હતા અને ઇન્ટરનેટથી સમાચાર વાંચતા હતા. 2012માં એ સમયે ઇજિપ્તમાં રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક વિરૂધ્ધ લોકજુવાળ ફાટી નીકળ્યો હતો, વિરોધ થઈ રહ્યો હતો. મને કહે હું વિદેશ મંત્રી હતો ત્યારે હોસ્ની મુબારકને હોદ્દાગત મળ્યો હતો. ત્યારે તો એ ઇજિપ્તના બહુ લોકપ્રિય નેતા હતા અને અગિયાર વર્ષથી રાષ્ટ્રપતિના હોદ્દા પર હતા.

બીરેન કોઠારી અને રાવજીભાઈ પટેલના પરિવાર-મિત્રો વતી પુસ્તકની આપ-લે કર્યા પછી અમારો ફોન સંપર્ક કાયમી થયો અને રૂબરૂ મળવાનું પણ પ્રસંગોપાત થતું રહ્યું. 2016થી હું 1950 થી 2020 એમ સાત દાયકાના ગુજરાતના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ લખી રહ્યો છું. આ કામ હવે એક તબક્કે પુરું થયું છે. ઘણા બધા મિત્રો, ગુજરાતના પત્રકારો, પૂર્વ અને વર્તમાન રાજકારણીઓના ફોન સંપર્કથી તેનું કામ સંપન્ન થયું છે. કેટલીક સ્પષ્ટતાઓ મેળવવા માટે માધવસિંહભાઈ સાથે વખતોવખત વાત કરવાનું થતું હતું. ઘણો બધો સંદર્ભ તેમણે ઉકેલી આપ્યો હતો. એકાધિક માહિતીના સ્ત્રોત વચ્ચે કોઈ એક નિષ્કર્ષ પર આવવા માટે મને તેમની મદદ મળી હતી. દરેક વખતે ઉલટભેર જવાબ આપતા હતા. છેલ્લા જન્મદિવસે જુલાઈ 2020માં વાત થયા પછી કોરોનાકાળમાં પણ વાતચીતનો દોર ચાલુ જ હતો. દિવાળી પછી થયેલી છેલ્લી વાતચીત સમયે તેમણે પહેલીવાર વિનંતી કરી કે – ‘હવે તમે મને કશું ન પુછશો. મારી યાદશક્તિ હવે જવાબ દઈ રહી છે. તમને માહિતી આપવામાં ક્યાંક હું ખોટો ન પડું એવો છુપો ડર રહે છે.’ આટલી વાતચીત પછી બે-ચાર દિવસે તેમનો વળતો ફોન આવ્યો – ‘ના...ના...તમે ફોન કરતા રહેજો. સવાલ પુછતા રહેજો. મને ઠેકાણાસર લાગશે તો જ હું તમને બીજે દિવસે જવાબ આપીશ.’

માહિતી, અભિપ્રાય આપવા બાબતે આટલી કાળજી રાખનાર તેમની સામે એક ફરિયાદ તો કાયમી રહેશે જ કે...તમે આત્મકથા કેમ ન લખી માધવસિંહભાઈ. અલવિદા.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ માધવસિંહભાઈ સોલંકી સાથે થયેલી રૂબરૂ – ફોન વાતચીતના સંદર્ભ સાથે. – બિનીત મોદી)