મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ 28 વર્ષ થઈ ગયા બાબરી વિધ્વંસ કેસને જેમાં આખરે નિર્ણય એવો થયો છે કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ, નૃત્યગોપાલ દાસ સહિતના તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આટલા વર્ષો, સમય, ખર્ચ, દોડાદોડ પછી આ અંગે નિર્ણય આવ્યો જેમાં કોર્ટે કહ્યું કે, બાબરી વિધ્વંસ સુનિયોજિત ન્હોતો. કોર્ટે કહ્યું કે અરાજક તત્વોએ ઢાંચો પાડી દીધો હતો અને આરોપી નેતાઓએ આ લોકોને રોકવાના પ્રયાસ કર્યા હતા.

કોર્ટે આ નિર્ણયમાં કહ્યું કે, આરોપીઓના સામે પુરાવાઓના અભાવ છે અને સીબીઆઈ તરફથી જમા કરાયેલા ઓડિયો વીડિયોના પુરાવાની પ્રામાણિક્તાની તપાસ નથી કરી શકાતી. કોર્ટે એ પણ કહ્યું કે ભાષણનો ઓડિયો ક્લિયર નથી.

આ હાઈ પ્રોફાઈલ કેસમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા જેવા- લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ જેવા નેતા શામેલ હતા. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આપને જણાવી દઈએ કે આ કેસની ચાર્જશીટમાં આ નેતાઓ ઉપરાંત 49 લોકોના નામ શામેલ હતા. જેમાંથી 17 વ્યક્તિ તો હવે જીવત નથી એટલે કે 17 વ્યક્તિના નિધન થઈ ચુક્યા છે. બાકી રહેલા 32 આરોપીઓને કોર્ટેમાં હાજર રહેવા કહ્યું હતું.  જોકે અડવાણી અને જોશી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

કેસ પર લખનઉની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટના સ્પેશ્યલ જજ એસકે યાદવે નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાદ તે રિટાયર થઈ જવાના છે. તેમણે 30 સપ્ટેમ્બર 2019એ જ નિવૃત્ત થવાનું હતું પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસ માટે તેમનો કાર્યકાળ નિર્ણય કર્યા સુધી વાધાર્યો હતો.