મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતીની લેખિત પરીક્ષા ગઈ ર ડિસેમ્બરના રોજ પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬/૧/ર૦૧૯ને રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે. રાજ્ય સરકારે હવે બોધપાઠ લઈને આ પરીક્ષાનું ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇપણ ક્ષતિ વગર આયોજન કરવા પરામર્શ કર્યો છે.

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતીની લેખિત પરીક્ષા ગઈ ર ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા  રદ થતાં સમગ્ર રાજ્યના ૮.૭પ લાખ જેટલા યુવા ઉમેદવારોને મુશ્કેલીમાં મુકાઈ  ગયા છે. જેમાં પરીક્ષા સ્થળે આવવા-જવા સહીત રહેવા-જમવા વગેરેનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬/૧/ર૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે તેમજ ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇપણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા માટે જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેનો પણ આગામી તા.૬/૧/ર૦૧૯ના રોજ યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે. વિકાસ સહાયે વધુમાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઈશ્યૂ કરવામાં આવશે.