મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રુપાણીના ઘરે શનિવારથી જ એક પછી એક બેઠકોનો દૌર ચાલ્યો હતો. આ બેઠકો એલઆરડી ભરતીમાં જીએડીના ઠરાવને મામલે હતો. બેઠક પછી પરિપત્ર રદ્દ કરવાને મામલે અનામત વર્ગના નેતાઓ સાથે પણ બેઠક થઈ હતી જે પછી ગતરોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકારોને જાણકારી અપાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે એલઆરડી ભરતીમાં જુના પરિપત્રને હવે ધ્યાને નહીં લેવાય અને જે ઉમેદવારોએ 62.5 ટકા માર્કસ હશે તેમની ભરતી કરવામાં આવશે. લાયક ગણાતા ઉમેદવારો માટેના ગુણાંક 62.5 ટકા છે અને તેવા તમામની ભરતી કરાશે, વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને લેવાશે નહીં.

હવે આ મામલે એક વિચિત્ર બાબત સામે આવી છે. એલઆરડી ભરતીના આંદોલન અંગે વિજય રુપાણીએ હવે કહ્યું છે કે, નોકરી માટે આંદોલન કરતી દીકરીઓની વધુ માત્રામાં ભરતી કરવામાં આવશે. કોંગ્રેસ આંદોલનના નામે રાજકારણ રમવા માગે છે. જોકે તે ક્યારેય સફળ થશે નહીં. જીઆરને હવે બાજુમાં મુકીને ભરતી કરવામાં આવી રહી છે. જેનાથી તમામ સમાજોના લોકોને લાભ થશે.

તેમણે ટ્રમ્પની મુલાકાત અંગે પણ કહ્યું કે તેઓના હાથે જ અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું લોકાર્પણ થવાનું છે. અમદાવાદમાં રોડ પર સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.

ઉલ્લેખનીય છે કે, જાહેરાત પ્રમાણે, દરેક જ્ઞાતિઓની દીકરીઓની ભરતી થશે. 1193 ભરતી થવાની હતી જેમાં ઓબીસીની 1834 જગ્યા વધારાઈ અને તે પછી કુલ 3248 જગ્યા થઈ હતી. આદિવાસી સમાજની 476ની જગ્યાએ 511 મહિલાઓને નોકરી મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆરને રદ્દ કરીને સરકાર દ્વારા એલઆરડીમાં જેટલી બેઠકોમાં ભરતી કરવાની હતી તેનાથી વધુની ભરતી થશે. જોકે આ અંગે આંદોલનકારીઓનું માનવું છે કે આ એક વખતના નિરાકરણની વાત છે, જો આ સમસ્યાનું સરકાર કાયમી નિરાકરણ લાવે તો તે આવકારદાયક ગણાય.