મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી:  ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 22 વર્ષીય મહિલા મુક્કેબાજને તુર્કીની ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ વખત ઓલિમ્પિક રમી રહેલી લવલીનાએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ બુસેનાઝ સામે વધુ કંઈ કરી શકી નહોતી. ભારતીય બોક્સરને 0-5થી હારનો સામનો કરવો પડ્યો હતો.

લવલીના ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઇ હોવા છતાં, તે હજી પણ ઇતિહાસ રચવામાં સફળ રહી. તે હવે ઓલિમ્પિકના ઇતિહાસમાં મેડલ જીતનાર ભારતની બીજી મહિલા બોક્સર બની છે. એટલું જ નહીં, તે 125 વર્ષના ઓલિમ્પિક ઇતિહાસમાં મેડલ જીતનાર આસામની પ્રથમ એથ્લેટ છે.

અત્યાર સુધી દેશને ત્રણ મેડલ અને ત્રણ દીકરીઓના નામ
લવલીનાના બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ભારતની મેડલ ટેલી ત્રણ થઈ ગઈ છે. ત્રણેય મેડલ ભારતીય પુત્રીઓએ જીત્યા છે, જેમાં મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે પીવી સિંધુ અને લવલીના બોરગોહેને બેડમિન્ટન અને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Advertisement


 

 

 

 

 

હારથી હું નિરાશ છું: લવલીના
પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લવલીના સેમિફાઇનલમાં હારથી નિરાશ છે પરંતુ તેણે મજબૂત વાપસી કરવાનું વચન આપ્યું છે.

લવલીના બોરગોહે, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા
હું આ હારથી આઘાતમાં છું. મારી વ્યૂહરચના હતી જેટલી માર ખાઉં એટલી મારૂ . પણ આવું થઈ શક્યું નહીં. હવે હું દોઢ મહિનાનો વિરામ લઈશ અને પછી મજબૂતી થી પાછી આવીશ.

Advertisement


 

 

 

 

 

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોક્સર લવલીના બોરગોહેનને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમે એક ટ્વીટમાં કહ્યું, 'લવલીના બોરગોહેન ખૂબ સારી રીતે લડ્યા. બોક્સિંગ રિંગમાં તેની સફળતા ઘણા ભારતીયોને પ્રેરણા આપે છે. તેમનો દ્રઢતા અને નિશ્ચય પ્રશંસનીય છે. તેમને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.