મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ આજના સમયમાં પ્રેમ સબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે બાયડ તાલુકાના પીપોદરા ગામના અને લહેરીપુરા ગામની યુવતી એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા. ત્યારે સમાજ પ્રેમી યુગલને નહીં સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહીં દે એવો ભય મહેશ ચતુરભાઈ પરમાર અને ભાવિકા ઉર્ફે રીન્કુને થતા બંન્નેએ સાથે જીવી નહીં શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય એવો નિર્ણય લઇને ખેતરમાં જ ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બંન્ને પ્રેમી યુગલના પ્રેમનો અંત લાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાયડ પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રેમ સંબંધમાં ઘણા એવું માનતા હોય છે કે લગ્ન થયા તો પ્રેમ સફળ અને લગ્ન ન થઈ શક્યા તો પ્રેમ અસફળ, જોકે પ્રેમ એ માત્ર પ્રેમ જ હોય છે તેમાં સફળતા નિષ્ફળતાના માપદંડો તો હિન્દી ફીલ્મોએ ઊભા કરેલા અને તેને લોકોએ માની લીધા છે. લગ્ન પછી પણ ઘણા સમયે પ્રેમની પરિક્ષાઓ થતી હોય છે. જોકે પ્રેમની પવિત્રતાને ન સમજી શકેલા ઘણાઓ આવા આત્મહત્યા, હત્યા વગેરે સહિતના ટૂંકા રસ્તાઓ અપનાવતા હોય છે.

પોતાના પ્રેમનો આ જ સારો અંત હોવાનું માનીને કેટલાય પ્રેમી યુગલો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જીલ્લામાં બન્યો છે. બાયડ નજીક આવેલા પીપોદરા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. પીપોદરા ગામના મહેશ ચતુરભાઈ પરમારને લહેરીપુરા ગામની ૧૮ વર્ષીય યુવતી સાથે આંખ મળી જતા એકબીજાના પ્રેમમાં અંધ બન્યા હતા. પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. બંનેના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. વચ્ચે જૂના પીપોદરા ગામની સીમમાં ખેતર નજીક વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તપાસ કરતાં બંને દોરડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેથી ભરતભાઈ અમરતભાઈ પરમારે બાયડ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી હતી.