પ્રેમ માટે કહેવાય છે કે Love is blind એટલે કે પ્રેમ આંધળો છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. જેમાં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા એવો તો ચોરીના રવાડે ચડ્યો કે તેણે એક-બે નહીં પરંતું પૂરા 25 એક્ટિવાની ચોરી કરી. આ ચોરને અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી એક્ટિવા ચોરીની ફરિયાદો મળતા પોલીસે આ ચોરને ઝડપી લેવા માટે વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને બતામી મળી હતી એક એક યુવક ચોરીના વાહન સાથે જઇ રહ્યો છે. જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. વટવા જીઆઇડીસી પોલીસની પૂછપરછમાં આ યુવકનું નામ અસ્લમ ઉર્ફે છોટુ અનવરભાઇ શેખ (ઉંમર વર્ષ 23, રહે. ઇસ્લામનગર, સુંદરમનગર, રખિયાલ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકે એક-બે નહીં પરંતુ 25 એક્ટિવાની અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જો કે પોલીસે જ્યારે તેને ચોરી શા માટે કરતો હતો તેવું પુછ્યું તો જવાબ સાંભળીને પોલીસ પણ બે ઘડી ચોંકી ગઇ હતી. યુવકે જણાવ્યું હતું કે તે પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે જુદીજુદી એક્ટિવા લઇને જતો હતો. 

પોલીસે અસ્લમ પાસેથી ચોરીના આઠ એક્ટિવા જપ્ત કર્યા છે. જેમાં બાપુનગરના એક, શાહીબાગના બે, ખોખરાના એક અને નરોડામાંથી એક એક્ટિવા ચોરી કર્યા હતાં તે જપ્ત કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર વિવિધ વિસ્તારોમાં એક્ટિવા ચોરીની ફરિયાદો વધતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે મહિના પોલીસ આ ચોરને પકડવા માટે તપાસ કરી રહી હતી. પોલીસે ચોરીના અન્ય એક્ટિવા કોને આપ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.