મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ હમણા દેશમાં લવ જેહાદનો મુદ્દો ચરમ સીમા પર છે, ઉત્તર પ્રદેશે લવ જેહાદ અંગે કાયદો પણ ઘડી કાઢ્યો છે અને હવે આગામી બજેટ સત્રમાં ગુજરાત સરકાર પણ લવ જેહાદ અંગે કાયદો લાવવાનું વિચારી રહી છે. તે જ વખતે ભાવનગરની હિન્દુ મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના મુસ્લિમ કોન્સ્ટેબલ વચ્ચે થયેલા પ્રેમ બાદ તેમણે લીવ ઈનમાં રહેવું શરૂ કરતાં મામલો ભાવનગર પોલીસ સુધી પહોંચ્યો હતો. જેના પગલે મહિલા કોન્સ્ટેબલે પોતાનો વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, આ લવ જેહાદ નથી પણ પ્રેમ છે.

રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલી મહિલા કોન્સ્ટેબલ અને તેની સાથે ફરજ બજાવતા મુસ્લિમ કોન્સ્ટેબલ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. મુસ્લિમ કોન્સ્ટેબલ પરિણિત હતો. આ દરમિયાન આ મહિલા કોન્સ્ટેબલે પોતાની બદલી ભાવનગર કરાવી લીધી હતી. ત્યાર પછી પણ તેમના સંબંધો યથાવત રહ્યા હતા. તાજેતરમાં અચાનક પોતાના ઘરેથી આ મહિલા કોન્સ્ટેબલ ગુમ થઈ હતી. જેના કારણે મહિલા કોન્સ્ટેબલના પરિવારે ભાવનગર પોલીસને  આ અંગે જાણ કરી હતી. આ મહિલા કોન્સ્ટેબલના મુસ્લિમ કોન્સ્ટેબલ સાથેના સંબધોથી વાકેફ પરિવારે જ્યારે ભાવનગરના સ્થાનિક નેતાઓનું આ અંગે ધ્યાન દોર્યું ત્યારે સ્થાનિક નેતાઓ એકત્ર થયા હતા અને તેમણે પોલીસ સામે રજુઆત કરી હતી કે, મુસ્લિમ કોન્સ્ટેબલ અન્ય ધર્મનો હોવાને કારણે આ મામલો લવ જેહાદનો છે.


 

 

 

 

 

પોતાના અને પોતાના સાથી વિરુદ્ધ પોલીસમાં લવ જેહાદને મુદ્દે રજૂઆત થઈ છે તેવી જાણકારી મળતાં મહિલા કોન્સ્ટેબલે પોતાનો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં પોતાની સાથે કોઈ બળજબરી થઈ નથી અને તે સ્વેચ્છાએ મુસ્લિમ યુવક સાથે લીવ ઈનમાં રહે છે. યુવકે ડિવોર્સ લઈ લીધા છે તથા તે બંનેએ લગ્ન કરી લીધા છે તેવું જણાવ્યું હતું. જોકે લવ જેહાદનો મામલો હોવાની રજૂઆત થતાં ગાંધીનગરથી રાજકોટ અને ભાવનગર પોલીસ ઉપર સૂચનાઓ આવવાની શરૂઆત થઈ. રાજકોટ પોલીસ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મુસ્લિમ કોન્સ્ટેબલના ઘરે પહોંચી અને ત્યાંથી રાજકોટ પોલીસ મહિલા કોન્સ્ટેબલને લઈ ભાવનગર આવી હતી. ભાવનગર પોલીસે પહેલા મહિલા કોન્સ્ટેબલને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. ત્યાર બાદ તેના પરિવારને સોંપવા જણાવ્યું હતું. જોકે આ મામલો જલ્દી થાળે પડે તેવું લાગી રહ્યું નથી.