મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ બાયડમાં એસબીઆઈ ના એટીએમ માંથી ૩૨.૮૧ લાખની લૂંટ સોમવારે પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી હતી તેની થોડેક જ અંતરે મુખ્ય બજારમાં મેડા પર આવેલી જે.કે.આંગડિયા પેઢીમાં લૂંટારુઓ ધસી જઈ ઓફિસમાં ફરજ બજાવતા સોમાભાઈ મણીભાઈ પટેલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા ૩.૫૦ લાખ રૂપિયાની લૂંટની ઘટનાને વારદાત આપી લૂંટારુઓ ફરાર થઈ જતા ચકચાર મચી હતી. બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તીક્ષ્ણ હથિયારના ઘા લૂંટારૂઓએ ઝીંકતા ફસડાઈ પડેલા કર્મચારીએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી લોહીલુહાણ હાલતમાં કર્મચારીને ઓફિસમાંથી નીચે ઉતારી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યૂલંસ મારફતે તાબડતોડ વાત્રક હોસ્પિટલ ખસેડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓના પગલે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા કર્મચારીની સ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

સોમવારે સાંજના ૪ વાગ્યાના સુમારે બાયડ બજારમાં મેડા પર આવેલી જે.કે.આંગડિયા પેઢીમાં અજાણ્યા શખ્શો ગ્રાહકના રૂપમાં પહોંચી ઓફિસમાં કામ કરતા સોમાભાઈ મણીભાઈ પટેલ (રહે, આંબલીયારા) પર તીક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થના આડેધડ માથાના અને શરીરના ભાગે ઘા ઝીંકાતા સોમાભાઈ ફસડાઈ જતા ઓફિસમાં રહેલા ૩૫૦૦૦૦/- રૂપિયાની લૂંટ કરી ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને કર્મચારીના બે મોબાઈલની પણ લૂંટ કરી લૂંટારુઓ લૂંટારુ હવામાં ઓગળી ગયા હતા. ધોળે દહાડે આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટી લેવાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આંગડિયા પેઢીમાં લૂંટની ઘટનાના પગલે દોડી આવેલી બાયડ પોલીસ સીસીટીવી કેમેરાનું ડીવીઆરની પણ લૂંટ થતા ઓફિસની આજુબાજુમાં આવેલી દુકાનો અને કોમ્પ્લેક્ષમાં લાગેલ સીસીટીવી કેમેરા ફંફોસવાના શરુ કરી લૂંટારુને ઝડપી પાડવા મથામણ શરુ કરી હતી.

બાયડ પોલીસે આંગડિયા પેઢીમાં ફરજ બજાવતા કર્મચારીના પુત્ર સંદીપભાઈ સોમાભાઈ પટેલ (રહે, આંબલીયારા) ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.