જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): કોરોનાને કારણે ગુજરાતમાં લગ્ન પ્રસંગ સહિતનાં કાર્યક્રમો માટે ગુજરાત સરકારે કડક નિયમો બનાવ્યા છે. ત્યારે ખુદ સત્તા પક્ષ ભાજપના ધારાસભ્યએ સરકારના આ નિયમોથી બચવા માટે તેમના ભાઇના લગ્નની વિધિ ગુજરાત બહાર મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે કરાવી હતી. રવિવારે યોજાયેલા આ ડેસ્ટિનેશન વેડિંગના ભવ્ય સમારોહમાં ગુજરાતના પૂર્વ મંત્રી સહિત ધરાસભ્યનો આખો પરિવાર તેમજ કચ્છ ભાજપના અગ્રણી તથા ઉચ્ચ અધિકારીઓ માસ્ક વિના જોવા મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.

કચ્છના ગાંધીધામ વિધાનસભા ક્ષેત્રના મહિલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના ભાઇના મેરેજ રવિવારે મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આવેલા એક ભવ્ય રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. મૂળ કચ્છના મુન્દ્રના અને ગાંધીધામ રહેતા ધારાસભ્યનાં પિતા ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચામાં પણ સ્થાન ધરાવે છે. ત્યારે કચ્છમાંથી છેક મહારાષ્ટ્રમાં લગ્ન કરવા પાછળ ગુજરાત સરકારના કોરોના અંગેના આકરા નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. લગ્ન પ્રસંગ એ વ્યક્તિગત બાબત છે, પરંતુ જાહેર જીવનમાં રહેતી વ્યક્તિ લોકો માટે આદર્શ હોય છે. તેવામાં ભાજપના ધારાસભ્યના ભાઇના ગુજરાત બહાર થયેલા લગ્નમાં નિયમો ભંગ અંગે ભાજપ સહિત સામાન્ય લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. કારણ કે સરકારથી માંડીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પોતે કોરોના કાળમાં નિયમોનું પાલન કરવા અંગે અવાર-નવાર તાકીદ કરી ચુક્યા છે. 

લોનાવાલાનાં એક ખાનગી રિસોર્ટમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં પૂર્વ મંત્રી આત્મારામ પરમાર ઉપરાંત ગાંધીધામ નગર પાલિકાના પ્રમુખ કાનજીભાઈ ભર્યા, કચ્છના આરોગ્ય અધિકારી પ્રેમ કન્નર, કચ્છ ભાજપના ગાંધીધામના અગ્રણી જે.પી. મહેશ્વરી સહિત અનેક લોકો માસ્ક પહેર્યા વિના ટહેલતા હોય તેવા ફોટો વાયરલ થતા નિયમોથી બચવા કચ્છ બહાર યોજાયેલા આ વિશેષ લગ્નની ખાસ્સી એવી ચર્ચા થઈ રહી છે. 

કેવી રીતે માહિતી બહાર આવી ?

મોટેભાગે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા કચ્છ-ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા તેમના પતિ કિશોરે છેલ્લા કેટલાક દિવસથી તસવીરો પોસ્ટ કરવાનું ટાળ્યું હતું. તેમનો આશય કદાચ કચ્છ-ગુજરાત બહાર યોજાઈ રહેલા લગ્ન પ્રસંગની તસવીરો જાહેર ન થાય તે હોય શકે અથવા નહીં પણ. પરંતુ ભાજપનાં જ એક કાર્યકરે ભાજપના ધારાસભ્યના ભાઈની તસવીરો લીક કરવાના આશયથી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. પોતાના વોટ્સએપ સ્ટેટસમા લોનાવાલા લગ્ન પ્રસંગની તસવીરો મૂકીને ભાજપના આ કાર્યકરે ફોન કરીને કચ્છમાં જાણ કરતા સમગ્ર મામલો રવિવારે રાતથી જ કચ્છ ભાજપમાં ચર્ચામાં આવ્યો હતો. રાજકારણીઓ તો ઠીક પરંતુ જિલ્લામાં કોરોનાની સ્થિતિને નિયંત્રણ કરવાની જેમની સવિશેષ જવાબદારી છે તેવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમ કન્નરને પણ માસ્ક વિના ફોટોમાં જોવા મળતા કચ્છના વહીવટી તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ગાંધીધામના આ ધારાસભ્ય સામે અને સરકાર-તંત્ર ગાંધીધામ નગર પાલિકાના પ્રમુખ તેમજ આરોગ્ય અધિકારી સામે માસ્ક ન પહેરવા અંગે કેવા પગલાં લે છે.

શિક્ષિત ધારાસભ્યના પગલાથી આંચકો

માત્ર કચ્છ જ નહીં પરંતુ કદાચ ગુજરાત વિધાનસભામાં સૌથી નાની વયનાં શિક્ષિત MLA તરીકે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું નામ બિન-વિવાદાસ્પદ રહ્યું છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પરિવાર સાથેનો તેમનો તથા તેમના પિતા રામજી ધેડાનો સંબંધ એકદમ નજીકનો છે તેવો દાવો તેઓ ખુદ કરતા હોય છે. તેવામાં આવા શિક્ષિત ધારાસભ્યએ સામાન્ય લોકોમાં કોરોના કાળ દરમિયાન દાખલો બેસાડવાને બદલે આ પ્રકારે નિયમથી બચવા લગ્ન પ્રસંગ યોજવા ઉપરાંત માસ્ક વિના ફરતા હોવાને કારણે માત્ર ભાજપમાં જ નહીં પરંતુ તેમના સમાજમાં પણ લોકો ચોંકી ઉઠ્યા છે.