મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દિલ્હીની ચૂંટણી રેલી દરમિયાનના નરેન્દ્ર મોદી પર ડંડા એટેક નિવેદન પર સંસદમાં શુક્રવારે મારામારી થઈ જતી, ગુરુવારે ખુદ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર નિવેદનને લઈને કટાક્ષ કર્યો હતો. તો શુક્રવારે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને એક સવાલના જવાબ આપવા દરમિયાન રાહુલ ગાંધીની આલોચના કરી દીધી. હર્ષવર્ધનના આ નિવેદનથી કોંગ્રેસના સાંસદ એવા તો ઉત્તેજીત થઈ ગયા કે તેમણે હર્ષવર્ધનની સીટ તરફ દોટ લગાવી. વિપક્ષી સાંસદોએ કેન્દ્રીય મંત્રીને તુરંત ઘેરી લીધા. હંગામાને કારણે સ્પીકરએ સદનની કાર્યવાહી તુરંત સ્થગીત કરી દીધી. ભાજપે વિપક્ષી સાંસદના આ વ્યવહારને ગુંડાગીરી કહી હતી અને આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીના ઈશારે જ હર્ષવર્ધન સાથે હાથચાલાકી કરવાના પ્રયત્નો કરાયા હતા.

વાત એમ હતી કે હર્ષવર્ધન જ્યારે રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપવા ઉભા થયા તો તેમણે વકતવ્યની શરૂઆત આ રીતે કરી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તેમના અભદ્ર ભાષાની નિંદા કરવા માંગું છું જેનો ઉપયોગ તેમણે દેશના વડાપ્રધાન માટે કર્યો. આટલું કહેતા જ કોંગ્રેસ સાંસદોએ શોર-બકોર શરૂ કરી દીધો.

હર્ષવર્ધને શોર-બકોરની વચ્ચે રાહુલ ગાંધીનું નિવેદન વાંચવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે રાહુલજી એ કહ્યું કે, છ મહિના બાદ આ દેશનો યુવાન નરેન્દ્ર મોદીને ડંડા મારી-મારીને દેશની બહાર કરી દેશે. આખરે જે રાહુલ ગાંધીના પિતા ખુદ વડાપ્રધાન રહ્યા હોય, તેઓ કોઇ બીજા વડાપ્રધાન માટે આ રીતે અભદ્ર ભાષાનો પ્રયોગ કેવી રીતે કરી શકે છે. હું હેરાન છું કે રાહુલ ગાંધીના પિતા ભારતના વડાપ્રધાન હતા અને મને વિશ્વાસ થઇ રહ્યો નથી કે રાહુલે વડાપ્રધાન માટે ડંડો મારીને દેશમાંથી બહાર કરવા જેવા શબ્દનો ઉપયોગ કર્યો. મારો આગ્રહ છે કે ગૃહમાં હાજર તમામ સભ્યોએ એકમતથી તેની નિંદા કરવી જોઇએ. જ્યારે કોંગ્રેસી સાંસદોનો હોબાળો થોભ્યો નહીં અને તેઓ વેલમાં આગળ આવવા લાગ્યા તો અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 1 વાગ્યા સુધી રોકી દેવાની જાહેરાત કરી દીધી.

હર્ષવર્ધન સાથે ગુંડાગીરી

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસી સાંસદોએ હર્ષવર્ધનને ઘેરીને તેમની સાથે ધક્કામુક્કી કરવાની કોશિષ કરી. જોશીએ કહ્યું કે રાહુલ ગાંધીના ઉશ્કેરવા પર તેઓ ડંડાનો રસ્તો અપનાવી રહ્યા હતા. આ ડૉકટર હર્ષવર્ધનની સાથે દુર્વયવહાર કરવાની કોશિષ હતી. આ કોંગ્રેસની નિરાશા અને ગુંડાગર્દીને દેખાડે છે.