મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે પોતાના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે જાહેર કરેલી પ્રથમ યાદીમાં 15 ઉમેદવારોના નામ છે. જેમાં સોનિયા ગાંધીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી ભાજપ દ્વારા કોઈ નામોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ બાદ ભાજપ પણ જલદી જ પોતાની યાદી જાહેર કરશે કારણ કે હવે ચૂંટણી જાહેર કર્યાને વધુ સમય થશે નહીં.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અમેઠીથી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. ગુજરાતના જે ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. વડોદરામાં પ્રશાંત પટેલ, અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર (એસસી), આણંદમાં ભરતસિંહ સોલંકી અને છોટા ઉદેપુર (એસટી)માં રંજીત રાઠવાને લોકસભાની ટિકિટ મળી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી હતી. જેનો અંત અહીં આ લિસ્ટથી આવી ગયો છે. પ્રથમ લિસ્ટમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાનું નામ નહીં હોવાનું જોવા મળ્યું છે.