મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જાણીતા બોલીવુડના અભિનેતા સની દેઓલ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે સની દેઓલએ પુણે એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ તસવીર વાયરલ થયા બાદથી જ એવી માહિતી બહાર આવી હતી કે સની બીજેપીમાં સામેલ થશે. સૂત્રો મુજબ સની પંજાબના ગુરુદાસપુરના પાર્ટી ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
સનીના પિતા ધર્મેન્દ્ર પણ ભાજપની ટિકિટ પર બીકાનેરથી સાંસદ રહી ચુક્યા છે. સનીએ નિર્મલા સીતારામન અને પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે.

નિર્મલા સીતારામને સની દેઓલની ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની છબી રાષ્ટ્રવાદના પ્રતિકની રહેલી છે. સનીએ ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે, મારા પિતા અટલજીની સાથે જોડાયા હતા, આજ હું અહીં નરેન્દ્ર મોદી સાથે જોડાવા આવ્યો છું. હું ચાહું છું કે આગળના 5 વર્ષ તે જ રહે. અમે હજુ ઘણા આગળ જવાનું છે. જે યૂથ છે તેમને મોદી જેવા લોકોની જરૂર છે. આ પરિવાર સાથે જોડાઈને હું જે કરી શકું છું તે કરીશ. દરેક વખત કામ કરીને બતાવીશ.