મેરાન્યૂઝ નેટવર્ક.કેરળઃ લોકડાઉનમાં સમય કેવી રીતે પસાર કરવો? આ પ્રશ્ન લોકોને અત્યારે જેટલો સતાવે છે એટલું જ સતાવતાં બીજા પ્રશ્નો પણ છે. જેવા કે, કયા રસ્તેથી જવું તો પોલીસ રોકશે નહીં? કદાચ પોલીસ પકડે તો બહાનું શું કાઢીશ? પ્રશાસને લોકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા આદેશ અને અપીલ પણ કરી છે. તથા તેનું પાલન કરાવવા આપણી પોલીસ પણ અલગ અલગ રીતે લોકોને સમજાવી, ડરાવી અને ધમકાવી પણ રહી છે. જરૂર હોય ત્યારે થોડું કડક વલણ પણ અપનાવે છે. પરંતુ કેરળની આ ગ્રામપંચાયતે લોકોને ધમકી કે સમાજ આપીને નહીં પણ લાલચ આપીને લોકડાઉનનું પાલન કરાવ્યું છે.

કેરળમાં કોરોનાના અત્યાર સુધીમાં ૪૮૨ કેસ સામે આવ્યા છે અને ૪ લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. આ વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે તેનું કડક પાલન કરાવવા માટે કેરળના મલ્લપુરમ જીલ્લાનાં થાઝીક્કોડ ગામની ગ્રામપંચાયત દ્વારા ૭મી એપ્રિલે અનોખી જાહેરાત કરવામાં આવી છે, “જે પરિવાર લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર જ નહીં નીકળે તેઓને ઇનામ આપવામાં આવશે.”

ગ્રામપંચાયતના અધ્યક્ષ એ કે નાસરે એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે,”અમે ૬ એપ્રિલે આ યોજના બનાવી અને ૭ એપ્રિલથી આ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે, લોકો લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.”

આ સ્પર્ધા ગામના તમામ પરિવાર વચ્ચે રાખવામાં આવી છે. જેમાં ૫૦ અલગ અલગ પ્રકારનાં ઇનામ રાખવામાં આવ્યાં છે. જેમાંથી પ્રથમ નંબરે આવનાર પરિવારને સોનુ, બીજા ક્રમાંકે આવનાર પરિવારને ફ્રિજ, ત્રીજા નંબરે આવનારને વોશિંગ મશીન આપવામાં આવશે. ઇનામનું વિતરણ લોકડાઉન ખૂલ્યા બાદ કરવામાં આવશે. પંચાયત લોકો પર અવિરત નજર રાખી રહી છે, હવે ૩જી મે અથવા જ્યારે લોકડાઉન ખૂલે ત્યારે લકી ડ્રો દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે. (Edited By Milan Thakkar)