ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સામાન્ય રીતે મે મહિનો, એ મોસમી રીતે નબળા રૂપિયા માટે જાણીતો છે. તે વ્યાપક રીતે ડોલરનું નકારાત્મક અનુસરણ કરતો હોય છે. કરન્સી એનાલીસ્ટો કહે છે કે કોરોનાનાં કેસો સતત વધતા જઈ રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રો સામે જોખમો મોઢું ફાડીને ઉભા છે, ત્યારે રૂપિયાને મજબુત થવા માટેની જગ્યા ઓછી છે. અમેરિકા હવે ચીન પર વ્યાપક શાબ્દિક હુમલા કરવા લાગ્યું છે, તેથી પણ વૈશ્વિક માનસ ખરડાયું છે. આ તરફ જગતભરમાં બીજા તબક્કાનો રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. સાથે ભારતની આર્થિક સ્થિતિ એવી નથી કે તે ઢગલા મોઢે ડોલર ઇન્ફ્લોને આકર્ષી શકે. 

કોરોના વાયરસને લીધે અમેરિકા અને ચીન એક બીજા સામે બરાબરના ભીડાઈ પડ્યા છે, ત્યારે ડોલર મજબુત થયો છે, સામે ક્રુડ ઓઈલ અને શેરબજાર સોમવારે મોટાપાયે ગબડી પડ્યા. ગલ્ફ દેશોના અર્થતંત્રો પણ નબળા પડ્યા છે. તેમની અસ્કયામતોનું મુલ્ય સતત ઘટી રહ્યું છે ત્યારે રોકાણકારો વધુ સાવધ થઇ ગયા છે. કોરોના સંદર્ભે ભારત સહીતનાં એશિયન દેશોમાં કારખાનાઓની પ્રવૃત્તિ એપ્રિલમાં તેના ઇતિહાસના સૌથી નીચલા સ્તરે બેસી ગઈ છે.

નિક્કી મેન્યુફેકચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) માટે આઈએચએસ માર્કેટ જે ભારતની ફેકટરી પ્રવૃત્તિનું માપ કાઢતી સંસ્થા છે, તેણે કહ્યું કે એપ્રિલમાં ભારતનો પીએમઆઈ માર્ચના ૫૧.૮ની તુલના જબ્બર ઘટીને ૨૭.૪ રહ્યો હતો. ૨૦૦૫મા આ સર્વેનો આરંભ થયો ત્યાર પછી આ પહેલી વખત એપ્રિલ પીએમઆઈ આટલા મોટા ગેપથી ઘટયાનો ઈતિહાસ રચાયો છે, જે દર્શાવે છે કે વેપાર ઉદ્યોગની કેવી વાલે થઇ છે. લોકડાઉનને પગલે ભારતમાં જ નહિ આખા જગતમાં ધંધા રોજગાર બંધ થયા હોવાથી વપરાશી માંગ વેગથી ઘટી છે. 

કારખાનાઓને મળતા નવા ઓર્ડરોની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં સૌથી નીચલા સ્તરે ગઈ છે. આઈએમએફ એ ૨૦૨૦ માટે ભારતનો જીડીપી વિકાસ દર જાન્યુઆરીના ૫.૮ ટકા અંદાજથી ઘટાડીને હવે ૧.૯ ટકા કર્યો છે. રેટિંગ એજન્સી મુડીસએ તો જીડીપી અંદાજ સાવ છીછરો માત્ર ૦.૨ ટકા જ મુક્યો છે.
સોમવારે ભારતના શેર બજારમાં વેચવાલીના ઘોડાપુર આવ્યા અને રૂપિયો વેગથી ઘટ્યો. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રાડેમાં ૭૫.૮૧ થઇ ૬૪ પૈસાના ઉછાળે ૭૫.૭૪નાં તળિયે મુકાયો હતો. મંગળવારે ખુલતી બજારે અલબત્ત રૂ. ૭૫.૬૨ બોલાઈ રહ્યો હતો. ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ ૦.૩૩ ટકા વધીને ૯૯.૫૧ મુકાયો હતો. વિદેશી રોકાણકારોએ સોમવારે રૂ. ૧૩૭૩.૯૮ કરોડનું અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ૧૬૬૧.૬૧ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું હતું.

ગયા મહીને દર સપ્તાહે સમાચારોને આધારે રૂપિયામાં વધઘટ જોવા મળી હતી. આખા જગતમાં કોરોનાનો પ્રસાર વધી રહેવા સાથે ભારતીય અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધવાના ભયે ૨૧ એપ્રિલે ડોલર સામે રૂપિયો ૭૭.૦૧ ઓલ ટાઈમ ઐતિહાસિક લો પર પહોચ્યો હતો. પણ કોરોના રસી જલ્દી ઉપલબ્ધ થશે, એવા સમાચારે આ ભય થોડો ઓછો થયો હતો. 

ભારતનું ક્રેડીટ રેટિંગ વધુ ઘટતું બચાવવાના હેતુથી સરકાર રૂ. ૪.૫ ટ્રીલીયનનું રાહત પેકેજ ઘોષિત કરવાનું વિચારે છે. આ વાતથી વાકેફ બે સરકારી અધિકારીઓ કહે છે કે સરકાર કોરોના વાયરસ આધારિત ખર્ચ, નિયંત્રિત રાખીને ભારતનું સોવરીન રેટિંગ ડાઉનગ્રેડ ન થાય તેનું પણ ધ્યાન રાખવા માંગે છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૫-૫-૨૦૨૦