મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી માર્ચે જનતા કરફ્યુની અપીલ કરી ત્યારથી લઈ તા. 30મી માર્ચ સુધી સુરતમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોની સમજદારી અને પોલીસની જવાબદારી જોવા મળી હતી. પરિણામે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા અને જો કોઇ એકલ દોકલ વ્યક્તિ બહાર નીકળે તો પોલીસ તેને અટકાવી ઘરે પરત મોકલી આપતી હતી. પણ, તા. 31મીએ કોણ જાણે શું બન્યું કે સુરતમાં લોકડાઉનની અસર ઓસરવા (ઓછી થવા) માંડી. મંગળવારે સવારથી જ રસ્તા પર લોકોની અવરજવર વધુ પ્રમાણમાં જોવા મળી હતી. શહેરના મોટા ભાગના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં અવરજવર કરતા નજરે પડતા હતા. 

સામાન્ય સંજોગોમાં તો ઘરમાં રહીને જ સલામત રહેવાનું છે. આમ છતાં લોકો જાણે કે ઘરમાં બેસી ત્રસ્ત થઈ ગયા હોય, લોકોની ધીરજ ખુટી હોય તેમ આજે મંગળવારે મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળતી હતી. પોલીસ પણ જાણે કે થાકી ગઈ હોય તેમ કોઇને અટકાવ્યા વગર જવા દેતી હતી. પરિણામે આ મેસેજ એકથી બીજા સુધી પહોંચતો ગયો ને લોકોની અવરજવર વધવા માંડી. એ સાથે કેટલાક રસ્તા પર થ્રીવ્હીલ ટેમ્પો સહિતનાં વાહનોની અવરજવર પણ જોવા મળતી હતી. 

કોરોનાના સંદર્ભમાં સુરતની સ્થિતિ જોઇએ તો રાજ્યમાં સુરતની સ્થિતિ ઘણી સારી છે. પોઝિટિવ કેસ 8 છે. એકનું મોત થયું છે. એક પોઝિટિવ કેસ સારવારના અંતે નેગેટિવમાં પરિણમ્યો છે. આ સ્થિતિ એટલા માટે છે કે લોકોએ અને પોલીસે સંયુક્ત રીતે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કર્યો હતો. જેના કારણે સુરતની સ્થિતિ વણસી નહીં. પણ, એક નવો કેસે પોઝિટિવ આવ્યો છે જે રાંદેર વિસ્તારના એક વૃદ્ધનો કેસ છે તેની ટ્રાવેલ હિસ્ટ્રિ છે જ નહીં. એટલે કે સુરતની બહાર એ વૃદ્ધ નીકળ્યા નથી છતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. એનો સીધો અર્થ એ કે ચેપ લાગવાથી આ કેસ થયો છે. તેવા સંજોગોમાં જો લોકો ઘરની બહાર મોટી સંખ્યામાં નીકળવા માંડશે અને પોલીસ પણ આંખ આડા કાન કરતી રહેશે તો સુરતની સ્થિતિ બગડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.