ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): ઉત્તર યૂરોપની હાજર બજારમાં ઝીંક (જસત)ની તીવ્ર અછત વચ્ચે ૧૫ સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહમાં એલએમઇ ત્રિમાસિક વાયદા સામે હાજર પ્રીમિયમ (ઉંધા બદલ) છ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. જગતના અન્ય વિસ્તારોમાં જહાજી અને પરિવહન સમસ્યાઓને લીધે અમેરિકામાં પણ આવા પ્રીમિયમ બોલાવાયા લાગ્યા છે. આની સીધી આસરે એલએમઇ ત્રિમાસિક વાયદો મે ૨૦૧૮ની નવી ઊંચાઈ ૩૧૩૨ ડોલર પ્રતિ ટનની નજીક શુક્રવારે ૩૦૯૩ ડોલર મુકાયો હતો. આ તરફ એલએમઇ ગોદામોમાં લિસ્ટેડ ઝીંક સ્ટોક ૧૨૫૦ ટન વધુ ઘટી ૨,૨૭,૫૫૦ ટન રહ્યો હતો. 

શાંઘાઇ કોમોડિટી એક્સ્ચેન્જ પર ઝીંક વાયદો ટન દીઠ ૨૨,૮૬૦ યુઆનની ઊંચાઈએ પહોંચ્યો હતો. ચીનના શેનયાંગ પ્રાંતમાં શિફિ ફ્રન્ટ મંથ વાયદા સામે હાજર પ્રીમિયમ વધીને ૧૬૦થી ૨૦૦ ડોલર થયું છે. એલએમઇ ખાતે ભાવો ચાર વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા છતાં, ઉત્તર યૂરોપમાં માંગ અટકવાનું નામ નથી લેતી. અલબત્ત, ઊંચા ભાવએ એશિયન ગ્રાહકો ફિઝિકલ બજારથી દૂર થયા છે. ઉત્તર યુરોપના દેશોમાં તો ફેબ્રુઆરી ૨૦૧૫થી જ શરૂ થયેલા પ્રીમિયમ નવી નવી ઊંચાઈ સર કરવા લાગ્યા છે. 

Advertisement


 

 

 

 

 

પરિણામે એન્ટવર્પ અને રોટરડમ ખાતે સ્પેશ્યલ હાઇ ગ્રેડ ઝીંક પ્રીમિયમ ૧૪ સપ્ટેમ્બરે આ વર્ષની નવી ઊંચાઈએ મુકાયા હતા. મુંબઈના મેટલ ટ્રેડરો કહે છે કે ઝીંકના ભાવ વધવાનું મૂળ કારણ ગેલવેનાઇઝ ક્ષેત્રની સતત માંગને લીધે આવા પ્રીમિયમ સર્જાયા છે. તેમનું કહેવું છે કે એલએમઇ ખાતે ભાવ નવી ઊંચાઈ પહોંચ્યા છતાં, પ્રીમિયમ કે માંગ ઘટવાનું નામ નથી લેતા. ફાસ્ટમાર્કેટ એજન્સીનો સર્વે કહે છે કે ઝીંક ૯૯.૯૯૫ ટકા ઇનગોટ (ગઠ્ઠા)ના પ્રીમિયમ શુક્રવારે રોટરડમ ખાતે ૧૪૦ અને ૧૬૫ ડોલર વચ્ચે બોલાતા હતા.

ચીનનો ઔધ્યોગિક ઉત્પાદન વિકાસદર ઓગસ્ટમાં, ગતવર્ષના સમાન મહિના કરતાં ૫.૩ ટકા વધ્યો હતો, પણ જુલાઈની તુલનાએ ૬.૪ ટકા ઘટ્યો હતો. ચીનની સેન્ટ્રલ બેંકે છેલ્લા ૧૭ મહિનાથી રોલ-ઓવર મિડીયમ ટર્મ લોનના વ્યાજદર જાળવી રાખ્યા હતા. ફેબ્રિકેટરોને મદદરૂપ થવા વિશ્વના સૌથી મોટા ઝીંક ગ્રાહક ચીનએ આ વર્ષે ત્રણ વખત જાહેર લીલામ યોજીને બજારભાવ કરતાં સહેજ નીચા ભાવએ ૪.૨૦ લાખ ટન ઝીંક બજારમાં ઠાલાવ્યું હતું. 

ચીનના ટેનઝીનમાં વોરંટ પ્રીમિયમ સંકળાઈ ગયા છે, પરિણામે ઘણા ટ્રેડરોને આવા વૉરંટમાં રજિસ્ટર્ડ થવાનું આકર્ષણ વધ્યું છે. અલબત્ત, શાંઘાઇ અને સેન્ડોનગમાં આવા વોરંટ પ્રીમિયમ શૂન્ય થયા છે. ચાઈનીસ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રીફોર્મ કમિશને કહ્યું હતું કે અમે ભાવને વાજબી સપાટીએ નીચે લઈ જવા, સરકારી ગોદામોમાંથી ઝીંક, કોપર અને એલ્યુમિનિયમનો વધુ જથ્થો બજારમાં ઠાલવતાં રહીશું. ચીન બજારની વધઘટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે અને તેને આધારે બજારમાં સ્ટોકના માલો ઉતારી રહ્યું છે. 

Advertisement


 

 

 

 

 

ચીનના સરકારી આયોજનકારોએ કહ્યું હતું કે અમે માંગ પુરવઠા વચ્ચે સર્જાયેલી ખાઈને પૂરી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. વૈશ્વિક ડેટા કહે છે કે ૨૦૨૧માં ૧૨૮ લાખ ટન ઝીંક ઉત્પાદનનો અંદાજ છે. અને એવું પણ અનુમાન છે કે આ ઉત્પાદનવૃધ્ધિ વાર્ષિક સરેરાશ ૨.૧ ટકાના દરે જળવાઈ રહેશે, તો ૨૦૨૫માં ઉત્પાદન ૧૩૯ લાખ ટને પહોંચશે. બજાર અત્યારે આગામી સપ્તાહે મળનારી યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર રાખીને બેઠી છે, જેમાં રાહત પકેજમાં કોઈ ફેરફાર થવાની શક્યતા જણાવાય છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)