મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત સરકાર અને દિલ્હીની કેજરીવાલ સરકાર વચ્ચે ગરીબોને રાશન પહોંચાડવાના મુદ્દા પર લાંબા સમયથી ખેંચતાણ થઈ જે જાહેરમાં સહુએ જોઈ હતી. ગત રોજ દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હુતું કે જો દેશમાં પીઝા બર્ગર વગેરેની હોમ ડિલિવરી થઈ શકે તો રાશનની કેમ નહીં. ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, આ કેજરીવાલનો ડ્રામા છે અને રાજ્યમાં મોટું કૌભાંડ થતાં રહી ગયું છે. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાશન યોજના સંદર્ભમાં દેશને સંબોધતી વખતે વાત મુકી હતી. 

તેમણે રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોનાની પીડા અને તેનાથી બચવા માટેના રસીકરણ અભિયાનને લઈને વાત કરી હતી સાથે જ રસીકરણ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશનની સેવા આપણા દેશે કરી હતી. બીજી લહેર પછી આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ ગરીબોને નક્કી માત્રા પર રાશન આપવામાં આવશે. મારા કોઈપણ ગરીબ પરિવારના ભાઈ કે તેના પરિવારને ભુખ્યું સુવું ન પડે તેવો હેતુ છે. 

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ રૂપે કોઈના નામ કે કોઈ રાજ્યની યોજના સંદર્ભમાં કહ્યું નથી પરંતુ રાજકીય પંડીતોનું માનવું છે કે આ નિવેદન દિલ્હીમાં ચાલી રહેલા ઘર ઘર રાશન યોજનાના વિવાદ પર મુકવામાં આવેલું એક પૂર્ણવિરામ સમાન છે.